પાકિસ્તાન ભલે બાસમતી ઉગાડે, જીઆઈ ટેગ અમારો

પાકિસ્તાન ભલે બાસમતી ઉગાડે, જીઆઈ ટેગ અમારો
યુનેસ્કોમાં ભારતની પાકિસ્તાન સામે દલીલ
ડી. કે 
મુંબઈ, તા. 18 જૂન
બાસમતી ચોખાનાં જ્યોગ્રોફિકલ ઇન્ડિકેશન (જીઆઇ) ટેગના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુરોપિયન યુનિયનમાં ચાલી રહેલો જંગ ચરમસીમાએ છે ત્યારે ભારતે કરેલી જોરદાર દલીલોના કારણે પાકિસ્તાન પીછેહઠ થઇ રહી છે. હવે યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિએ બાસમતીનો જી.આઈ ટેગ એ ભારતનો પરંપરાગત વારસાઇ હક હોવાનું જણાવીને પાકિસ્તાનને ફટકો માર્યો છે. 
બાસમતીના જી.આઈ ટેગના મામલે યુરોપિયન યુનિયનમાં ભારતે કરેલી અરજી, ત્યારબાદ ભારતને આ એક્સક્લુઝિવ ટ્રેડ માર્ક મળવાની થયેલી તૈયારીથી માંડીને ઉંઘતા ઝડપાયેલા પાકિસ્તાને પાછળથી કેવી રડારોળ કરી તેના શ્રેણી બદ્ધ અહેવાલો જ્યારે પ્રકાશિત કર્યા છે અને પાકિસ્તાનની મેલી મુરાદની જાણકારી આપી છે. આ બાબતે હવે ભારતે હવે પાકિસ્તાનનાં ઉદ્ભવ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવીને તેના નાપાક દાવાને પાયાવિહોણા ગણાવી મરણતોલ ફટકો માર્યો છે. યુનેસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા વિશાલ શર્માએ દલીલ કરતા જણાવ્યું હતું કે મૂળ તો પાકિસ્તાનનો જન્મ ભારતમાંથી થયો છે.  આવા સંજોગોમાં પરંપરાગત રીતે ભારતમાં પાકતી કૃષિ પેદાશ ના જી.આઇ ટૅગ માટે પાકિસ્તાન દાવો કેવી રીતેકરી શકે? 
વિશાલ શર્મા જણાવ્યું હતું કે ઇતિહાસ સાબિત કરે છે કે પાકિસ્તાન એક સમયે ભારતનો જ હિસ્સો હતું અને  જુદા થવાની જીદના કારણે તેનું ભારતમાંથી જ અસ્તિવ થયું છે. તેથી બાસમતી ચોખાનો પ્રાદેશિક મુદ્દે હક માગવાનો પાકિસ્તાનનો દાવો પાયા વિહીન છે. એમણે ઉમેર્યું હતું કે કોઇને પણ શેની ખેતી કરવી તે જે તે દેશ પોતાની રીતે નક્કી કરી શકે છે. પાકિસ્તાનને પણ બાસમતીની ખેતી કરવી હોય તો તે કરી શકે છે. પરંતુ બાસમતી ટ્રેડ માર્ક કબ્જે કરવાની તથા તેના જી.આઇ ઉપર તરાપ મારવાની વાત પાયાવિહોણી છે. 
તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનાં નિકાસકારો બન્ને દેશોને જી.આઇ ટેગ મળે તેવું લોબીંગ કરી રહ્યા છે. પરંતુ બાસમતીનું ઉત્પાદન કરી રહેલા ભારતનાં ખેડૂતોને અન્યાય થાય તે ચલાવી શકાય નહીં. કારણ કે એ ભારતને આ આઝાદીકાળથી વારસામાં મળેલો પરંપરાગત બહુમુલ્ય અધિકાર છે. 
યાદ રહે કે 2018 માં ભારતે યુરોપિયન યુનિયનમાં બાસમતીને જી.આઇ ટૅગ આપવા અરજી કરી હતી તેના ઉપર યુરોપિયને ગત વષે જાહેરમાં નિવેદન આપવાની અૉફર મુકી ત્યારે સફાળા જાગેલા પાકિસ્તાને રાતોરાત પોતાના દેશમાં કાયદાને અનુરૂપ જોગવાઇ કરીને જી.આઇ માટે દોડધામ કરી હતી. જ્યારે પાકિસ્તાનનાં પ્રયાસોને ભારતના નિકાસકારોના સંગઠને બદઇરાદાથી ભરેલું જણાવ્યું હતું. બીજીતરફ સરકારે વૈશ્વિક બજારમાં ભારત ચોખાનો હિસ્સો વધે તે અગે અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer