સેન્ટ્રમ ફાઇનાન્સને પીએમસી બૅન્ક હસ્તગત કરવા માટે આરબીઆઈની મંજૂરી

સેન્ટ્રમ ફાઇનાન્સને પીએમસી બૅન્ક હસ્તગત કરવા માટે આરબીઆઈની મંજૂરી
ડિપૉઝિટર્સનાં નાણાં છૂટાં થવાની શક્યતા
એજન્સીસ 
મુંબઈ, તા. 18 જૂન
 રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ સેન્ટ્રમ ફાઇનાન્શિયલ સર્વિસીસને સ્મોલ ફાઇનાન્સ બૅન્ક (એસએફબી) શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શુક્રવાર 18 જૂને અપાયેલી મંજૂરી પછી સેન્ટ્રમ માટે કટોકટીમાં સપડાયેલી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-અૉપરેટિવ બૅન્ક હસ્તગત કરવાનો માર્ગ મોકળો બન્યો છે.  
પીએમસીએ 3 નવેમ્બર, 2020ના રોજ એક્સપ્રેશન અૉફ ઈન્ટરેસ્ટની નોટિસ જારી કરેલી તેના પ્રતિભાવમાં સેન્ટ્રમે 2021ની પહેલી ફેબ્રુઆરીએ અૉફર આપી હતી જેને આરબીઆઇએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 
આરબીઆઇએ ખાનગી ક્ષેત્રમાં  એસએફબીની સ્થાપના માટે  લાઇસન્સ જારી કરવા 2019ની પાંચમી ડિસેમ્બરે ગાઇડલાઇન્સ બહાર પાડી હતી તેના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો છે એમ તેણે શુક્રવારે કહ્યું હતું. 
આ નિર્ણયને લીધે પીએમસી બૅન્કની સમસ્યાનો હલ આવશે જે બૅન્કના ડિપૉઝિટરો માટે ખુશ ખબર છે.  
પીએમસી બૅન્કને સમસ્યામાંથી બહાર કાઢવા કેટલાક રોકાણકારો આગળ આવ્યા હતા પણ માર્ચમાં આરબીઆઇએ કહ્યું હતું કે બૅન્કની નાણાકીય સ્થિતિ જોતા તેના ઉકેલમાં સમય લાગશે. 
તે પછી આરબીઆઇએ  બૅન્ક પર અગાઉ મૂકેલા અંકુશોને 1 એપ્રિલ, 2021થી 30 જૂન, 2021 સુધી લંબાવ્યા હતા. આરબીઆઇએ અગાઉ પીએમસી બૅન્કના બોર્ડ અૉફ ડિરેક્ટર્સને સુપરસીડ કરીને ઍડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી હતી. ડિસેમ્બરમાં પીએમસી બૅન્કે કહ્યું હતું કે તેને ચાર એક્સપ્રેશન અૉફ ઇન્ટરેસ્ટ મળ્યા છે. 
નવા રોકાણકારે હવે વધારાની મૂડી લાવવી પડશે જેથી બૅન્કનો લઘુતમ મૂડી રેશિયો નવ ટકા થાય. 
31 માર્ચ, 2020ના રોજ પીએમસી બૅન્કની કુલ ડિપૉઝિટ રૂા. 10,727 કરોડ અને ધિરાણ રૂા. 4472 કરોડ હતું. બૅન્કની ગ્રોસ એનપીએ રૂા. 3518 કરોડ હતી. તેની  શૅર મૂડી રૂા. 292.94 કરોડની છે. 2019-20માં બૅન્કે રૂા. 6835 કરોડની ખોટ કરી હતી. 
પીએમસી બૅન્કે એચડીઆઇએલ કંપનીને આપેલા ધિરાણમાં ગોટાળા બહાર આવ્યા એ પછી પોલીસે પીએમસી બૅન્કના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર જોય થોમસની ધરપકડ કરી હતી. 
તપાસમાં જણાયું હતું કે બૅન્કે એચડીઆઇએલને ધિરાણ આપવામાં ઘણા ગોટાળા કર્યા હતા અને બનાવટી ખાતામાંથી પૈસા આપ્યા હતા. ઘણા વર્ષોથી આ ગોટાળો ચાલુ હતો અને એક જ પાર્ટીને અપાતા ધિરાણ પરની મર્યાદાના આરબીઆઇના નિયમોનો પણ ભંગ કર્યો હતો. 
આરબીઆઇએ પીએમસીના બોર્ડને સસ્પેન્ડ કર્યા બાદ ડિપૉઝિટમાંથી પૈસા ઉપાડવા પર નિયંત્રણ મૂક્યા હતા. દરેક ખાતામાંથી  શરૂઆતમાં રૂા. 1000 સુધી ઉપાડી શકાતા જે બાદમાં રૂા. 50,000 અને પછી એક લાખ કરવામાં આવ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer