હૉલમાર્કિંગ અનિવાર્ય બનાવવાનો લાભ નાના ઝવેરીઓને મળશે

હૉલમાર્કિંગ અનિવાર્ય બનાવવાનો લાભ નાના ઝવેરીઓને મળશે
સોનાની શુદ્ધતાના મુદ્દે નાના મોટાનો ભેદ રહ્યો નથી
રાજેશ ભાયાણી
મુંબઈ, તા. 18 જૂન :
કેન્દ્ર સરકારે 16 જૂનથી અમલી બનાવેલા સુવર્ણ આભૂષણોનું ફરજિયાત હૉલમાર્કિંગ કરવાના નિયમો નાના ઝવેરીઓ માટે લાભકારક બનવાની ધારણા રાખવામાં આવે છે. છેલ્લાં થોડાં વર્ષોથી મોટા ઝવેરીઓ ખાસ કરીને અનેક રાજ્યોમાં શ્રૃંખલાબંધ સ્ટૉર ધરાવતી ચેઈનનો માર્કેટ હિસ્સો વધવા લાગ્યો હતો કારણ કે તેઓ હૉલમાર્ક કરેલા દાગીના જ વેચે અને સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે. પરંતુ હવે હૉલમાર્કિંગનો અમલ ફરજિયાત થવાથી સોનાની શુદ્ધતાના મુદ્દે નાના અને મોટા સ્ટૉર વચ્ચે સમાનતા આવી ગઈ છે અને આમ મોટા સ્ટૉર્સ અને નાના સ્ટૉર શુદ્ધ સોના સંબંધે સમકક્ષ બની ગયા છે. હવે હરીફાઈ સારી ડિઝાઈન, વાજબી ઘડામણ ખર્ચ અને વેચાણ પછીની સેવાના આધારે થશે.
જે ઝવેરીઓ જીએસટીમાં રજિસ્ટર્ડ નથી એમને બીઆઈએસના રજિસ્ટ્રેશનમાંથી પણ માફી અપાઈ છે એટલે ગૂંચવણ એ ઉભી થઈ કે આવા અનરજિસ્ટર્ડ ઝવેરીઓ હૉલમાર્ક જ્વેલરી વેચી શકે? જે 256 જિલ્લાઓમાં ફરજિયાત હૉલમાર્કિંગ અમલમાં મુકાયું છે ત્યાં અનરજિસ્ટર્ડ ઝવેરી હૉલમાર્ક દાગીના વેચી શકે? હૉલમાર્ક વગરના દાગીનાનું વેચાણ ગેરકાયદેસર ગણાશે પરંતુ હૉલમાર્ક દાગીના વેચવા માટે બીઆઈએસનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આ સંબંધમાં મંગળવારે ઝવેરી હૉલમાર્કિંગ સેન્ટર અને રિફાઈનરીના અગ્રણીઓની બેઠકમાં કેન્દ્રીય વેપાર-ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યંy હતું કે, અનરજિસ્ટર્ડ ઝવેરીઓને આ 256 જિલ્લાઓમાં હૉલમાર્કિંગવાળાં આભૂષણો વેચતા રોકવામાં નહીં આવે. ગત વર્ષે બીઆઈએસ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડીને કહેવામાં આવ્યું હતું કે બીએસઆઈનું રજિસ્ટ્રેશન નહીં હોય એને હૉલમાર્ક જ્વેલરી નહીં વેચવા દેવાય.
દરમિયાન, બુધવારે હૉલમાર્કિંગ સેન્ટરો સાથેની એક બેઠકમાં બીઆઈએસના ડિરેક્ટર જનરલ પ્રમોદ તિવારીએ કેટલાક ખુલાસા કરેલા જે મુજબ અનફિનિશ્ડ જ્વેલરી, બે ગ્રામથી ઓછા વજનનાં આભૂષણો, જાંગડ મોકલેલ માલ વિગેરે માટે હૉલમાર્કિંગ ફરજિયાત નથી. જોકે, જાંગડ માલ ફક્ત મંજૂરી માટે મોકલી શકાશે. વેચાણ તો દુકાનેથી જ થઈ શકે છે. આ ઉપરાંત કુંદન, પોલકી અને જડાઉ આભૂષણોમાં હૉલમાર્કિંગ ધોરણોનો અમલ મુશ્કેલ હોવાથી તેના માટે હૉલમાર્કિંગ જરૂરી નથી પરંતુ મીનાકારીવાળાં આભૂષણો માટે હૉલમાર્કિંગ કરાવવું પડશે.
જ્વેલરી ઉત્પાદકો દ્વારા હૉલમાર્કિંગ
તેમણે કહ્યું હતું કે આભૂષણોના ઉત્પાદકો અને હૉલસેલરોએ પણ રજિસ્ટ્રેશન લેવું પડશે. અગાઉ માત્ર ઝવેરીઓ માટે જ હૉલમાર્કિંગની વાત હતી. આ કારણસર ઉત્પાદકોમાં રોષ ફેલાઈ ગયો છે. ઘણા જ્વેલરી ઉત્પાદકો એવા ઝવેરીઓ માટે ઉત્પાદન કરે છે જે પોતાના માર્કોવાળાં આભૂષણો વેચે છે. પરંતુ નવા નિયમ મુજબ આવાં આભૂષણોનું હૉલમાર્કિંગ પણ ઉત્પાદકોએ કરાવવું પડશે. જ્વેલરી મેન્યુફેક્ચર્સ માટે સરકાર બે વિકલ્પો આપશે. જેમાં ઉત્પાદકો દ્વારા સીધા વેચાણ અને અન્ય ઝવેરીઓના માર્કાવાળાં આભૂષણો એમ બન્નેના હૉલમાર્કિંગ કરાવી શકાશે. આ માટે જોકે વિગતવાર ખુલાસા માટે નવા નોટિફિકેશનની રાહ જોવી પડશે. 
હૉલમાર્ક વગરનો સ્ટૉકનો નિકાલ
અત્યારે 256 જિલ્લામાં હૉલમાર્કિંગ ફરજિયાત છે. આ એવા જિલ્લા છે જ્યાં હૉલમાર્કિંગ સેન્ટરો છે. આમાં ઘણા ઝવેરીઓ પાસે હૉલમાર્ક વગરનાં આભૂષણો પડયાં છે. આ 256 જિલ્લામાં આવેલા ઝવેરીઓ પાસે કુલ મળીને 250 ટનથી વધુ જ્વેલરી હૉલમાર્ક વગરની હોવાની ધારણા છે. તેમણે 31 અૉગસ્ટ સુધીમાં તેનો નિકાલ કરવો પડશે. આ આભૂષણોનું હજી હૉલમાર્કિંગ કરી શકાશે અથવા તે ગળાવી લેવા પડશે. જોકે આ લખાય છે ત્યાં સુધી આ 256 જિલ્લાઓની યાદી બીઆઈએસ દ્વારા પ્રસિદ્ધ નથી થઈ. પણ જે જિલ્લામાં હૉલમાર્કિંગ સેન્ટર હશે ત્યાં જ ફરજિયાત હૉલમાર્કિંગના નિયમ અમલી બનશે એ સ્પષ્ટ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer