અૉક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહેશે

નવી દિલ્હી, તા. 28 સપ્ટે. 
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ રાજસ્થાનમાં અૉક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી વરસાદ પાછો ખેંચાવાનાં કોઈ ચિહ્ન સર્જાશે નહિ એ જોતાં ચોમાસું કે જે 30 સપ્ટેમ્બર સુધી હોય છે તે આ વર્ષે લંબાઈ શકે છે. સ્કાયમેટે પણ જણાવ્યું છે કે, ઘણાં વર્ષો બાદ આ ત્રીજી વખત થયું છે કે ચોમાસું પૂરું  થવામાં વિલંબ થયો હોય.  
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે સપ્તાહના લગભગ બધા દિવસે વરસાદ સક્રિય અને સામાન્ય રહેશે. સપ્તાહના પહેલા ભાગમાં બંગાળ ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો સર્જાતાં વાયવ્ય અને મધ્ય ભારતમાં મૂશળધાર વરસાદ પડી શકે છે.  
દરમિયાન, 23થી 29 સપ્ટેમ્બરના સમયગાળામાં પૂર્વ-મધ્યમાં હવાનું હળવું દબાણ સર્જાતાંવરસાદ પડશે. આગામી છથી સાત દિવસમાં રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત અને આંધ્ર પ્રદેશના તટ વિસ્તારમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કોંકણ અને ગોવામાં સોમવાર સુધી સારો વરસાદ પડી શકે છે. શનિવાર અને રવિવારે ઉત્તર ગુજરાતમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા છે. સોમવાર અને મંગળવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યારે આંધ્ર પ્રદેશના તટ વિસ્તારમાં સોમવારે મૂશળધાર વરસાદ પડી શકે છે. 
ઓડિસા, પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તાર, કોંકણ અને ગોવામાં મૂશળધાર વરસાદ પડશે એવી આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી છે. સપ્તાહના બીજા ભાગમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગણ અને કેરળમાં વરસાદ વધી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer