નિકાસકારો માટે શરૂ થશે 24 કલાકની હેલ્પલાઈન

નવી દિલ્હી, તા. 28 સપ્ટે.
નિકાસકારોને સહાયભૂત થવા માટે કેન્દ્ર સરકાર 24 કલાક કાર્યરત રહેનાર હેલ્પલાઈન શરૂ કરશે એવી ખાતરી વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે આપી છે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એસઈઝેડ-નોઈડામાં રાષ્ટ્રવ્યાપી `વાણિજ્ય સપ્તાહ'નું ઉદ્ઘાટન કર્યા બાદ પીયૂષ ગોયલે ઉક્ત ઘોષણા કરી હતી.
ફોન અને ઈ-મેઈલ દ્વારા અમે 24 કલાક સતત કાર્યરત રહેનારી હેલ્પલાઈન શરૂ કરીશું અને તેમાં નિકાસકારોની સમસ્યાનું નિરાકરણ કરવામાં મંત્રાલયના અધિકારીઓ મદદરૂપ થશે.
સમસ્યાની ગંભીરતા અનુસાર તેના પ્રતિસાદને ઝડપી બનાવવામાં આવશે, એમ ગોયલે જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓને 24 કલાક સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાર્યરત રહેવાનો અનુભવ છે. તેમણે કોવિડ નિયંત્રણો દરમિયાન ઉત્પાદન અને નિકાસમાં આવેલા અંતરાયોનો સામનો કરી નિકાસ આડેના ગતિરોધ દૂર કર્યા હતા.
વર્તમાન નાણાવર્ષ દરમિયાન 400 અબજ ડૉલરની નિકાસનું લક્ષ્ય હાંસલ કરવા માટે વાણિજ્ય મંત્રાલયના પ્રયાસો સાથે વિશ્વભરના ભારતીય રાજદૂતાલયો કામ કરી રહ્યાં છે.
નિકાસકારો સમક્ષ અત્યારે અનેક પડકારો છે. તેમાં મહામારીની સ્થિતિ, કન્ટેઈનરોની અછત, ઊંચાં જહાજી નૂર ભાડાં અને કૉમોડિટીના વધતા ભાવનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer