શૅરબજારમાં તેજી-મંદીવાળા તોફાને ચડયા

વેચી ગયેલા ફરીથી લેવા દોડતાં ઇન્ડેક્સમાં અફડાતફડી
અમારા પ્રતિનિધિ તરફથી 
નવી દિલ્હી, તા. 28 સપ્ટે.
વૈશ્વિક શૅરબજારોમાં નરમાઇ વચ્ચે સેન્સેક્ષ અને નિફ્ટીમાં જબરદસ્ત પ્રોફિટ બુકિંગ થવાના કારણે બંને સૂચકાંકોએ તેમના ટોચના સ્તર ગુમાવ્યા હતા. 
સેન્સેક્ષે ગઇકાલ સુધી 60,000નું સ્તર ટકાવી રાખ્યું હતું, પરંતુ આજે વૈશ્વિક પરિબળો નબળા થવાના કારણસર જાતેજાતની વેચવાલી નીકળી હતી અને એક તબક્કે સેન્સેક્ષ 950 પૉઇન્ટ્સ તૂટયો હતો, પરંતુ અૉઇલ - ગૅસ, મેટલ અને પીએસયુ બૅન્ક શૅરોમાં સત્રના અંતિમ તબક્કામાં નીચલા મથાળે ખરીદી નીકળતાં સેન્સેક્ષમાં સુધારો થયો હતો અને સત્રના આખરે 410 પૉઇન્ટ્સ ઘટી 59,668ના સ્તરે અને નિફ્ટી 107 પૉઇન્ટ્સ ઘટી 17,749ના સ્તરે બંધ થયા હતા. 
આજે સૌથી વધુ રિયલ્ટી ઇન્ડેક્સ 3.02 ટકા ઘટયો હતો. તે સાથે ક્રૂડ અૉઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ બૅરલ 80 ડૉલરની ઉપર જવાથી રોકાણકારોમાં ફુગાવો વધવાની ચિંતા થઇ હતી.   
શૅરબજારમાં આજે થયેલી તોફાની વધઘટ પાછળ મુખ્યત્વે ચીનમાં એવરગ્રાન્ડના આર્થિક સંકટ સાથે વીજળી સંકટનો ઉમેરો થવાથી સ્થાનિક ધોરણે વિવિધ મોટા ઉદ્યોગોનો વીજપુરવઠો ખોરવાઇ જવાની  નિર્માણ થયેલી ભીતિ સાથે અમેરિકન બૉન્ડના યીલ્ડમાં થયેલા વધારાથી રોકાણકારો ભયભીત બની વેચવાલી તરફ વળ્યા હતા. 
જોકે, એનાલિસ્ટોનું કહેવું છે કે ભારતનું અર્થતંત્ર એકંદરે મજબૂત હોવાથી મજબૂત ફન્ડામેન્ટલ ધરાવતાં શૅર્સમાં નીચલા સ્તરે ખરીદી કરવી યોગ્ય ગણાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer