રિલાયન્સ રિટેલને અસ્કયામતો વેચવાની છૂટ મેળવવા ફ્યુચર ગ્રુપને ઈજીએમની પરવાનગી

રિલાયન્સ રિટેલને અસ્કયામતો વેચવાની છૂટ મેળવવા ફ્યુચર ગ્રુપને ઈજીએમની પરવાનગી
એજન્સીસ                         મુંબઈ, તા. 28 સપ્ટે. 
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે મંગળવારે ફ્યુચર ગ્રુપને શૅરહોલ્ડરો અને બૅન્કરોની બેઠક બોલાવવાની મંજૂરી આપી હતી જેથી કંપની તેની અસ્ક્યામતો રિલાયન્સ રિટેલ લિમિટેડને વેચવા માટે બહાલી મેળવી શકે. 
ટ્રિબ્યુનલે આ માટે અસાધારણ બેઠકની તારીખ નક્કી કરવાનું કંપનીને જણાવ્યું હતું. ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સે ગયા વર્ષના અૉગસ્ટમાં જાહેર કર્યું હતું કે રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ કિશોર બિયાનીની માલિકીના ફ્યુચર જૂથના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને રૂા. 24,713 કરોડમાં હસ્તગત કરશે. મંગળવારે ફ્યુચર રિટેલનો શૅર 9.98 ટકા વધીને રૂા. 51.80 પર બંધ રહ્યો હતો.  
આ સોદાને પરિણામે ભારતના રિટેલ બિઝનેસમાં મુકેશ અંબાણીની પકડ મજબૂત બનશે. આ ક્ષેત્રમાં તાજેતરમાં એમેઝોન અને વોલમાર્ટ જેવી બહુરાષ્ટ્રીય કંપનોએ મોટું રોકાણ કર્યું છે. તાતા જૂથે પણ અૉનલાઈન રિટેલ માટે સુપર ઍપ વિકસાવવાની જાહેરાત કરી છે.  
આ મર્જરને લીધે બિયાનીને મોટાં દેવાંમાંથી બહાર આવવાની તક મળશે. કોરોના મહામારીને કારણે કંપનીને ભારે ફટકો પડ્યો હતો અને બિયાનીનું કરજ વધી ગયું હતું. કંપનીના ઘણા સ્ટોર બંધ કરવા પડ્યા હતા, પણ ફ્યુચર રિટેલની હોલ્ડિંગ કંપનીમાં એમેઝોન 50 ટકા હિસ્સો ધરાવે છે અને તેણે  આ મર્જર સામે અદાલતમાં જવાનું નક્કી કર્યું હતું. અત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ફ્યુચર રિટેલ માત્ર ખોખા કંપની રહી જશે અને તેનો બધો બિઝનેસ તેની હરીફ કંપની રિલાયન્સ રિટેલને મળી જશે એવો ભય એમેઝોનને છે.  
એનસીએલ ટી, કોમ્પિટિશન કમિશન અને સેબીએ આ મામલામાં કોઈ આખરી ફેંસલો આગામી ચાર સપ્તાહમાં આપવો નહિ એવી સૂચના સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં આપી હતી. 
ફ્યુચર જૂથના બિઝનેસ રિલાયન્સ રિટેલના બિઝનેસ સાથે બંધ બેસે છે એમ રિલાયન્સે એક નિવેદનમાં કહ્યું હતું. આ પડકાર ભરેલા સમયમાં આ મર્જરને લીધે લાખો નાના વેપારીઓને વધુ આવક મેળવવાની તક મળશે એમ આ નિવેદનમાં કહ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer