ગોલ્ડ એક્સ્ચેન્જ પર ઈજીઆરના સોદા પડશે

ગોલ્ડ એક્સ્ચેન્જ પર ઈજીઆરના સોદા પડશે
સોશિયલ સ્ટૉક એક્સ્ચેન્જની દરખાસ્તને પણ સેબીની મંજૂરી
પીટીઆઈ               મુંબઈ, તા. 28 સપ્ટે.
પ્રસ્તાવિત ગોલ્ડ એક્સ્ચેન્જ તથા સોશિયલ સ્ટૉક એક્સ્ચેન્જના માળખાને આજે સેબીના બોર્ડે મંજૂરી આપી છે.
ગોલ્ડ એક્સ્ચેન્જમાં સોનાનું પ્રતિનિધિત્વ કરતા સાધન ઈજીઆર (ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિટ)ના સોદા પડશે. અન્ય સિક્યોરિટીઓની જેમ ઈજીઆરની લેવેચ, ક્લીયરિંગ અને પતાવટ થશે અને રોકાણકાર ઇચ્છે તો તેમને પ્રત્યક્ષ સોનાની ડિલિવરી પણ મળી શકશે, એમ સેબીએ જણાવ્યું છે.
સોશિયલ સ્ટૉક એક્સ્ચેન્જને મંજૂરી અપાઈ હોવાની જાહેરાત કરતાં સેબીના અધ્યક્ષ અજય ત્યાગીએ કહ્યું કે સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ આ એક્સ્ચેન્જ મારફત નાણાં એકત્ર કરી શકશે.
ત્યાગીએ ઉમેર્યું કે આ એક્સ્ચેન્જની સ્થાપના માટે કોઈ સમયમર્યાદા ઠરાવાઈ નથી. સેબી કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને આ પ્રસ્તાવને આગળ ધપાવશે.
ચડિયાતા (સુપિરિયર) વોટિંગ અધિકારો ધરાવતા શૅરો માટેની પાત્રતા સંબંધી જરૂરિયાતોને હળવી બનાવાઈ છે.
શૅરબજાર માટે રોકાણકાર અધિકારપત્રની તથા ઓપન અૉફર પછી ડિ-લિસ્ટિંગ કરવા માટેની પદ્ધતિમાં ફેરફાર કરવા માટેની દરખાસ્તને પણ સેબીએ મંજૂરી આપી છે.
ઝી-સોની જોડાણમાં નિયમોનો ભંગ થયો છે કે કેમ તેની સેબી તપાસ કરશે, એમ ત્યાગીએ જણાવ્યું હતું. એક્સચેન્જમાં સોનાની આયાત, એક્સચેન્જ રેટ વગેરેનું ટ્રાડિંગ થશે.   
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ સિટી)માં ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફએસસી) અૉથોરિટીના સ્થાપના દિન નિમિત્તે ઈન્ટરનેશનલ બુલિયન શરૂ થવા જઇ રહ્યું છે. ભારતમાં પ્રથમ વખત આવું એક્સચેન્જ અસ્તિત્વમાં આવશે જે વૈશ્વિક બુલિયન વેપારનો મોટો હિસ્સો બનશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer