તહેવારોના ટાંકણે સૂકામેવાની માગ 50 ટકા સુધી ઘટી

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 22 અૉક્ટો. 
દિવાળીના તહેવાર પર સૂકામેવાની માગ ખૂબ રહેતી હોય છે પણ આ વખતે 30-35 ટકા જેટલી ઓછી દેખાય છે. મોંઘવારી અને એમાં ય સૂકા મેવાના ભાવ ઉંચા હોવાને લીધે ટર્નઓવર ઘટી ગયા છે. અમદાવાદ સૂકામેવા બજારમાં આ વર્ષે ગિફ્ટ માટેના ડ્રાયફ્રૂટ પેકસની માગ પણ ઓછી છે.  
અમદાવાદ ડ્રાયફ્રુટ્સના વેપારી રીતેશભાઈ જણાવે છે કે `દર વર્ષે અમે દિવાળીના બે મહિના અગાઉ અમારા કુલ ઓર્ડરના 50 ટકા અને દિવાળીના એક મહિના અગાઉ 25 ટકા અને 15 દિવસ અગાઉ અન્ય 25 ટકા એમ કરીને ઓર્ડર બુક કરતા હોઈએ છીએ પરંતુ આ વખતે હજુ સુધી અમે માત્ર 25 ટકા જ ઓર્ડર બુક કરી શકીએ છીએ.` ટૂંકમાં ઘરાકીમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 
સૂકા મેવાના ભાવ આ વર્ષે ખૂબ ઉંચા છે. છતાં જુલાઇ મહિનામાં આવેલી વ્યાપક તેજી પછી થોડાં નીચે આવી ગયા છે. હાલ તો તેજી પછી 20-25 ભાવઘટાડો થયો છે પણ બાકિંગ ઓછાં છે.  હવે તો અફઘાનિસ્તાનમાંથી આરામથી પુરવઠો આવે છે પરંતુ લોકોને હજુ ભાવ ગળે ઉતરતા નથી.  
જય હિન્દ સ્વીટના માલિક અજીત પટેલ જણાવે છે કે `ડ્રાયફ્રુટ્સના કોર્પોરેટર ઓર્ડર આ વખતે ઓછા છે અને રીટેલ ગ્રાહકો થવા જોઈએ તેની સંખ્યા પણ ઓછી દેખાઈ રહી છે. દિવાળીને હવે ઓછો સમય બાકી છે એટલે અમારે જે જથ્થાબંધ પાકિંગ થતા હોય તે શરૂ નથી થયા અને આ વર્ષે ડ્રાયફ્રુટના પાકિંગ પણ ઓછા થશે તેવું લાગે છે.` 
અમદાવાદ માર્કેટથી આખા ગુજરાતમાં ડ્રાયફ્રુટ સપ્લાય થાય છે અને હોલસેલ માર્કેટ દિવાળીના બે મહિના અગાઉ ધમધમવા લાગે છે પરંતુ હવે માત્ર થોડા દિવસો બચ્યા છે ત્યારે ઘરાકીનો પ્રવાહ હજુ ખાસ દેખાતો નથી.  
અમદાવાદ હોલસેલ માર્કેટમાં બદામના ભાવ પ્રતિ કિલો રૂ.800 અને રિટેલમાં રૂપિયા રૂ.1000 બોલાય છે. કાજુના હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂ.900 અને રિટેલમાં રૂ.1100, પિસ્તાના હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂ.1500 અને રિટેલમાં રૂ.1800 બોલાય છે.કિશમીશનો ભાવ રુ. 400-500 વચ્ચે ચાલે છે. અખરોટનો ભાવ રુ. 1800-2000 જેટલો ચાલે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer