સીએઆઈએ રૂના ઉત્પાદનનો અંદાજ ઘટાડયો

મુંબઈ, તા. 22 અૉક્ટો.
કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)એ સપ્ટેમ્બર 2021ને અંતે પૂરા થયેલા સિઝન વર્ષ 2020-21 દરમિયાન રૂનું ઉત્પાદન ઘટીને 353 (ગયા વર્ષે 360) લાખ ગાંસડી, આયાત 10 (15.50) લાખ ગાંસડી અને 125 (32) લાખ ગાંસડીના ઓપનિંગ સ્ટોક સાથે કુલ પુરવઠો 488 (407.50) લાખ ગાંસડીનો રહ્યો હોવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
2020-21 સિઝન વર્ષમાં સ્થાનિક વપરાશ 335 (ગયા વર્ષે 250) લાખ ગાંસડી રહેતાં બાકી સરપ્લસ જથ્થો 153 (157.50) લાખ ગાંસડી રહ્યો હતો. તેમાંથી નિકાસ માગ સારી રહેતાં 78 લાખ ગાંસડી (ગયા વર્ષે 50 લાખ ગાંસડી) પરદેશ ચડાવ્યા બાદ સિઝનને અંતે 75 લાખ ગાંસડીનો (ગયા વર્ષે 107.50 લાખ ગાંસડી)નો સ્ટૉક રહ્યો હોવાનો અંદાજ સીએઆઈએ વ્યક્ત કર્યો હતો.
સીએઆઈના અંદાજ મુજબ 2020-21 (અૉક્ટોબરથી સપ્ટેમ્બર) વર્ષ દરમિયાન નોર્થ ઝોનમાં 65.50 લાખ ગાંસડી, ગુજરાતમાં 91.50 લાખ, મહારાષ્ટ્રમાં 81 લાખ અને મધ્યપ્રદેશમાં 18.50 લાખ ગાંસડી સાથે સેન્ટ્રલઝોનમાં કુલ આવકો 191 લાખ ગાંસડીની થઈ હતી. તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુને આવરી લેતા સાઉથ ઝોનમાં કુલ 91.50 લાખ ગાંસડીની આવકો નોંધાઈ હતી. ઓરિસ્સા તથા અન્ય પ્રદેશોની આવક પાંચ લાખ ગાંસડી થઈ હતી.
સિઝન વર્ષ 2019-2020માં કોરોનાની ગંભીર અસર રૂ- ટેક્સટાઇલ ક્ષેત્ર ઉપર જોવાયા બાદ, 2020-2021ના સિઝનમાં કૉટન-ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો. એક પ્રકારે તે સોનેરી વર્ષ પુરવાર થયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer