વિજય છતાં યુદ્ધ જારી

વિપક્ષની સ્વદેશી ભાવના ક્યાં છે?
કોરોના સામેના `મહાભારત'ના પ્રથમ રાઉન્ડમાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો છે તેની ખુશી અને ગૌરવ ભારતીય તરીકે આપણને - સૌને થવું જોઈએ. અલબત્ત, કોરોના સામે હજુ બીજા `રાઉન્ડ' બાકી છે જેમાં જનતાનો યથાવત્ સહકાર અનિવાર્ય છે. મોઢા ઉપર માસ્કનું સ્વરક્ષણ અને શક્ય તેટલા સામાજિક અંતરનો વ્યૂહ ભૂલાય નહીં તે જરૂરી છે. ઉત્સવના દિવસોના ઉમંગ સાથે સાવધાની હોવી જોઈએ. કોરોનાની પીછેહઠ શરૂ થતાં નિયંત્રણો હળવાં થયાં છે, થઈ રહ્યાં છે અને તેના પરિણામે અર્થતંત્રની ગાડી પણ પાટા ઉપર ચડી રહી છે - વડા પ્રધાને કહ્યું છે કે, સ્વદેશી વૅક્સિનને સફળતા મળી તેવી રીતે દિવાળી પણ સારી જશે. સ્વદેશી માલના વપરાશથી આપણું અર્થતંત્ર મજબૂત થશે અને `આત્મનિર્ભર ભારત'નો સંકલ્પ સિદ્ધ થશે. ઉજ્વળ ભવિષ્યના નિર્દેશ સ્પષ્ટ છે. આર્થિક વિકાસની ગતિ - વેગ જળવાઈ રહે તે જોવાની જવાબદારી રાજ્યોની પણ છે હવે વૅક્સિનની અછત નથી. સ્ટોક ભરપૂર છે તેથી બીજો ડૉઝ આપવાની વ્યવસ્થા વ્યાપક બનાવીને એકસો કરોડ વૅક્સિન અપાયા પછી હવે સોએ સો ટકા-નો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો પડકાર છે. ઉપચાર પહેલાં કોરોનાના `અટકાવ'થી વિજય નિશ્ચિત છે.
ચીનની વાત જુદી છે - બે અબજથી વધુ વૅક્સિન અપાયા છતાં કોરોનાનું આગમન અને વ્યાપ વધી રહ્યો છે છતાં ચીનની હાલત `કોઠીમાં મોંઢું સંતાડીને રડવા' - જેવી છે! અમેરિકા, જર્મની, ફ્રાન્સ, યુક્રેન ને રશિયા વૅક્સિન આપવામાં ઘણા પાછળ છે અને તેથી ત્યાં બીજા-ત્રીજા - પ્રહાર થઈ રહ્યા છે. પશ્ચિમી દેશો એશોઆરામથી બહાર આવતા નથી અને વૅક્સિનના વિરોધમાં સરઘસ કાઢી રહ્યા છે - હવે ભારતની સિદ્ધિમાંથી પ્રેરણા લેશે તો બચી શકશે.
ભારતની આ ઐતિહાસિક સિદ્ધિને વિશ્વના દેશોએ - દુનિયા આખી વખાણે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ પણ બિરદાવી છે ત્યારે આપણા સ્વદેશી વિપક્ષ - કૉંગ્રેસને સિદ્ધિમાં ખામી દેખાય છે. મોદી પોતાની પીઠ જાતે જ થાબડી રહ્યા છે એવી ટીકા કરે છે! 
હકીકતમાં પીઠ તો ઠીક પણ વિપક્ષી નેતાઓના પેટમાં તેલ રેડાય છે! ભાજપનું ભલું થાય છે તે બાજુએ રાખીને ભાજપ યશ ખાટી જાય છે એવી પેટબળતરા છે!
કોરોનાના પ્રથમ પ્રહાર વખતે ભારતે તત્પરતા બતાવીને પગલાં ભર્યાં ત્યારે સમાજવાદી નેતા અખિલેશ યાદવે `ભાજપની રસી' લેવાનો જાહેરમાં ઇનકાર અને પ્રચાર કર્યા પછી ખાનગીમાં વૅક્સિન લેવા પહોંચ્યા. મમતા દીદી અને કૉંગ્રેસી નેતાઓએ કુપ્રચાર કર્યો. મુસ્લિમ સમાજના એક વર્ગને ઇમર્જન્સીના `વસેક્ટોમી' સાથે વૅક્સિન સાથે સરખાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પણ આખરે જીવ કોને વહાલો નથી? મહામારી માણસ પાછળ પડે છે - ધર્મના ભેદભાવ નથી!
અતિથિ કામદારો અને કારીગરોની હિજરત શરૂ થઈ. રાજ્યોએ રેલ ભાડાનો વિવાદ શરૂ કર્યો. આ પછી વૅક્સિનની કિંમતનો વિવાદ, અછત સરજાઈ અને અદાર પૂનાવાલાને `ધમકીઓ' મળવા લાગી ત્યારે તેઓ દેશાંતર કરશે એવા અહેવાલ આવ્યા. રસીના નામે રાજકારણ અને પ્રદેશવાદ શરૂ થયો. આ પછી રેમડેસિવિર અને અૉક્સિજનની અછતની બૂમ ઊઠી અને સુપ્રીમ કોર્ટે પણ સરકારને તાકીદ કરી અને મહેતલ આપી - લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે.
કૉંગ્રેસના પ્રવક્તા ટીકા કરે છે કે એકસો કરોડ ડૉઝ અપાયા છે - બીજો ડૉઝનું શું? આ નેતાઓ ભૂલી જાય છે કે બે ડૉઝ વચ્ચે સમયગાળો રાખવો પડે છે અને નિષ્ણાતો ખાતરી આપે છે કે પ્રથમ ડૉઝથી પણ ઘણું રક્ષણ મળ્યું છે. હવે વૅક્સિનનો ભરપૂર પુરવઠો છે - ફરિયાદને કારણ નથી. વિનામૂલ્યે અપાય છે અને જનજાગૃતિ છે તેથી બીજો ડૉઝ આપવામાં અવરોધ નહીં નડે. હવે પછી બે વર્ષથી વધુ અઢાર વર્ષની વયનાં બાળકો-કિશોરોને રસી આપવાની વ્યવસ્થા કરવી રહેશે.
આ ઐતિહાસિક સિદ્ધિ માટે આપણા વૈજ્ઞાનિકો અને પહેલી હરોળના યોદ્ધાઓને બિરદાવવા જોઈએ. ભારત સરકાર અને સમગ્ર શાસને - વિરોધીઓના કુપ્રચાર અને ટીકા પ્રહારો - વાદવિવાદ છતાં ફરજ બજાવી છે તેની કદર કરવી જોઈએ. અલબત્ત ખાનગી તબીબી - સ્વાસ્થ્ય સેવાઓએ મોતના સોદાગરની જેમ નફાખોરી કરી છે - તેમણે હવે `કોઠીમાં સંતાઈ'ને પશ્ચાતાપ કરવો જોઈએ. આપણી જનતાએ બીજા તબક્કામાં જે ઉત્સાહ બતાવ્યો, શિસ્ત જાળવી તે જોઈને પશ્ચિમી દેશોના લોકોએ - અને જરૂરથી વધુ સ્ટોક જમા કરનારા કૅનેડા જેવા દેશોએ - ગરીબ દેશોની વહારે આવતા ભારત પાસેથી પ્રેરણા લેવી જોઈએ.
આપણા વિપક્ષી નેતાઓ હવે સ્વદેશી ભાવના કેળવે અને કોરોના ભલે જીતે - મોદી તો હારશે એવા સ્વપ્ન ભંગ થયા પછી કોરોનાને ભારતમાંથી સંપૂર્ણ દેશનિકાલ કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સહકાર આપે એવી અપેક્ષા અસ્થાને છે?

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer