ઇંધણોને જીએસટીમાં લેવાથી સરકારની આવક ઘટશે નહીં

ઇંધણોને જીએસટીમાં લેવાથી સરકારની આવક ઘટશે નહીં
પેટ્રોલિયમ સસ્તું થશે તો સરકારની આવક વધશે : અગ્રણીઓનો મત 
પરાશર દવે  
અમદાવાદ, તા. 22 અૉક્ટો. 
સરકાર કાયમ એ જ રટણ કરી રહી છે કે પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં આવરી લેવામાં આવે તો રાજ્યને મોટું નુકસાન જશે. ખરેખર તો પેટ્રોલિયમ પેદાશોના આસમાને પહોંચી ગયેલા ભાવને કારણે અનેક લોકોનો બજેટ ખોરવાઇ ગયા છે. સામાન્ય માનવીથી લઇને ઉદ્યોગોએ દરેક ચીજના બમણાથી ત્રણ ગણા ભાવ ચૂકવવા પડે છે. આ સંજોગોમાં ઉદ્યોગ અને વેપારની દ્રષ્ટિએ સરકાર જો પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવે લે તો સરકાર પ્રજા પડખે ઊભી રહે છે તેવી છબી ઉભરશે અને નાણાંની બચત થતા સરકાર પાસે આવતા વિવિધ કરોમાં પણ વધારો થશે તેવી એક સામાન્ય સમજ ઉભરી આવી છે.  
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતુ કે પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવી લેવામાં આવે તો ઉત્પાદન ખર્ચ ઘણું નીચુ આવી જાય. તેની સામે ઉદ્યોગોને જેમ અને ચીજોમાં ક્રેડિટ આપવામાં આવે છે તે રીતે લેવાની મંજૂરી આપવી જોઇએ. બીજી બાજુ કોલસો હાલમાં ઉપલબ્ધ નથી. ગેસમાં જીએસટી આપે છે તો પછી પેટ્રોલિયમ પેદાશોમાં આપવામાં આવે તો ઘણું સસ્તુ પડે.  
સરકારની દલીલ છે કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવી લેવામાં આવે તો તેને વેટ સ્વરૂપે મળતી આવક ઘટી જાય છે. તેના સંદર્ભમાં પટવારીએ જણાવ્યું હતું કે પહેલા 98 ટકા આવકવેરો હતો તેની જગ્યાએ હવે 33 ટકા કરવામાં આવ્યા પછી સરકારની આવક વધી છે. તેવું આ કિસ્સામાં પણ થશે. જીએસટી રૂપે જે લાભ ઉદ્યોગને થવાનો છે તેની સામે સરકારની કરની આવકમાં પણ વધારો થવાનો જ છે. ઉદ્યોગોને 12 કે 18 ટકાની ક્રેડિટ મળશે તો તેની સામે એટલો જ આવકવેરો પણ ભરવો પડશે. પેટ્રોલિયમ પેદાશો સસ્તી થવાથી ઘણા પ્રશ્નો ઉકેલાઇ જશે. જો પેટ્રોલિયમને જીએસટીમાં આવરી લેવાશે તો પ્રજામાં એક પ્રકારે વિશ્વાસ ઊભો થશે.  
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે આ બાબતને છ મહિનાના પ્રાયોગિક ધોરણે પ્રથમ લાગુ પાડવી જોઇએ, ઉપરાંત હાલમાં 16 ટકા ક્રેડિટ લેવાની છૂટ છે તે 50 ટકા આપવી જોઇએ.  
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે જીએસટીના દરો ઘટાડીને મોંઘવારીમાં રાહત આપવી જોઇએ. જીએસટી જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી અનેક ફેરફારો આવી રહ્યા છે. તેના બદલે સરકાર જો પાંચ કરોડથી નાના વેપારીઓ માટે રાહત આપે તો નાના વેપારીઓ અને ગ્રાહકોને ફાયદો થાય, તેમજ કરચોરી પણ અટકી જાય. તેને અમે સિંગલ પોઇન્ટ જીએસટી એવું નામ આપ્યુ છે. જે કન્ઝ્યુમર ગુડ્ઝને લગતી આઇટમ છે, જેનો ઔદ્યોગિક ઉપયોગ નથી તેવી આઇટમોમાં તેમાં ઉત્પાદનના સ્તરે જ ટેક્સ લાવવો જોઇએ. 
તેમણે જણાવ્યું હતુ કે સરકાર પાસે દરેક ડેટા છે. લોકોની કેટલી આવક છે તેનો સરકારને ખ્યાલ છે. ટૂંકમાં જીવન જરૂરિયાતની બહારની વસ્તુઓ છે તેમાં સરકાર ટેક્સ રાહત કરી શકે, પરિણામે મોંઘવારીમાં રાહત મળી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer