આ વર્ષે તેલની માગ ધીમી હશે, પણ ગૅસ મદદરૂપ થશે : ઓપેક

આ વર્ષે તેલની માગ ધીમી હશે, પણ ગૅસ મદદરૂપ થશે : ઓપેક
લંડન, તા. 22 અૉક્ટો.
અૉર્ગેનાઇઝેશન અૉફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)ના અંદાજ મુજબ 2021માં તેલની માગ અગાઉના અંદાજથી ઓછી રહેશે, પણ તેલને બદલે ગૅસનો વપરાશ વધશે એટલે કોલના ભાવમાં વધારો થશે જે તેના સભ્યોને મદદરૂપ બનશે.
ઓપેકે તેના તાજેતરના માસિક અહેવાલમાં 2021માં તેલની દૈનિક માગમાં 58.2 લાખ બેરલનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જે તેના 59.6 લાખ બેરલના અગાઉના અંદાજ કરતાં ઓછો છે. ઓપેકે કહ્યું છે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના આંકડાઓ જોયા પછી માગનો અંદાજ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. જોકે 2022માં તેલની દૈનિક માગમાં 42 લાખ બેરલનો ઉમેરો થવાનો અંદાજ તેણે જાળવી રાખ્યો છે.
ઓપેકે કહ્યું છે કે નેચરલ ગૅસના અભૂતપૂર્વ ઊંચા ભાવો તેલની માગને ઉપકારક બની શકે કેમ કે ઔદ્યોગિક વપરાશકારો ગૅસને બદલે તેલ પેદાશો તરફ વળે એવી સંભાવના છે.
`જો આ તરાહ ચાલુ રહે તો વીજળીના ઉત્પાદન, રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સની માગના પગલે ફ્યુએલ અૉઇલ, ડીઝલ નેપ્થાના ભાવને ટેકો મળી શકે' એમ ઓપેકનો અહેવાલ જણાવે છે.
સાઉદી આરામ્કોના સીઈઓ અમીન નાસરે ગત સપ્તાહે કહ્યું કે ગૅસને બદલે તેલનો વપરાશ થાય તો તેલની દૈનિક માગમાં પાંચ લાખ બેરલ જેટલો વધારો થઈ શકે.
આ મહિનાની શરૂઆતમાં ઓપેક અને સાથી દેશોએ નવેમ્બરમાં પણ તેમના દૈનિક ઉત્પાદનમાં ચાર લાખ બેરલનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપેક તેલના ભાવને ટકાવવા માટે અગાઉ અમલમાં મૂકાયેલા ઉત્પાદનકાપને ક્રમશ: હળવો બનાવી રહ્યું છે.
ઓપેકે તેના અહેવાલમાં 2021માં ઓપેકના તેલની દૈનિક માગ દસ લાખ બેરલ વધીને 278 લાખ બેરલ અને 2022માં બીજા દસ લાખ બેરલ વધીને 288 લાખ બેરલ થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
દરમિયાન યુરોપિયન યુનિયને આબોહવા પરિવર્તનને ખાળવાના પ્રયાસરૂપે આર્કિટક સર્કલમાં તેલ, ગૅસ અને કોલસો શોધવાના તમામ પ્રોજેક્ટો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આ વિસ્તારમાં હાઈડ્રોકાર્બન ખનિજોના ઉત્પાદન પર ચેક લગાવવા બિનયુરોપિયન દેશો સાથે સહકાર કરવાની તેણે જાહેરાત કરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer