સોનાની માગમાં આવતા વર્ષે સંગીન વધારાની આગાહી

સોનાની માગમાં આવતા વર્ષે સંગીન વધારાની આગાહી
નવી દિલ્હી, તા. 22 અૉક્ટો.
સોનાની માગ આ વર્ષે કોરોના સંબંધી નિયંત્રણોને કારણે દબાયેલી રહ્યા પછી આવતે વર્ષે સુધરવાની આશા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર દબાયેલી માગ બહાર આવતાં આવતા વર્ષે સોનાની ખપતમાં સંગીન વધારો થવાની શક્યતા છે.
ભારતમાં કોરોના સામેની લાંબી લડતને કારણે સોનાની માગ ધાર્યા કરતાં ઓછી રહેવાની શક્યતા છે એમ કહીને અહેવાલ ઉમેરે છે કે સોનાની આયાત ઉંચી રહી છે અને નિયંત્રણો હળવાં થતાં જાય તેમ તેમ માગ પણ સુધરવાની ધારણા છે.
2022માં આર્થિક વિકાસમાં જોર આવતાં માગ સુધરશે; જો કે કોરોના ફરીથી ઉથલો મારે તો અનિશ્ચિતતા સર્જાઈ શકે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે.
જો ભારતનો સુવર્ણ ઉદ્યોગ વધુ પારદર્શક અને ધોરણસરનો બને અને અન્ય દેશોની હરોળમાં આવવા મહેનત કરે તો ભારતની યુવાન વસ્તી અને સામાજિક-આર્થિક પરિવર્તનનો લાભ તેને મળી શકે એમ કાઉન્સિલનો અહેવાલ જણાવે છે.
લાંબે ગાળે આવકનો વધારો સોનાની માગનું મુખ્ય પ્રેરકબળ છે. તેથી ભારતમાં જેમ જેમ અર્થતંત્રનો વિકાસ થતો જશે તેમ તેમ સોનાની માગ વધતી જશે કારણકે વિકસતા જતા અર્થતંત્રને યુવાન વસ્તીનો પણ સાથ મળશે એમ અહેવાલ જણાવે છે.
જો કે નજીકના ભવિષ્યમાં પારિવારિક બચતોમાં તથા ખેતમજૂરીના દરોમાં થઈ રહેલો ઘટાડો સોનાની માગ માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે એમ અહેવાલ નોંધે છે. પરિવારોની બચતમાં આવકની ટકાવારીની દૃષ્ટિએ ઘટાડો થયો છે તેથી સોનાની ખરીદી માટે ઓછી રકમ ફાળવવામાં આવે એવું બની શકે.
દેશમાં આર્થિક સમાવેશક્તા વધી છે તેથી રોકાણકારોને બચત સાચવવા માટે સોના સિવાયનાં સાધનો ઉપલબ્ધ છે. સરકારની કેટલીક નીતિઓ કાયેદસરની માગ ઘટાડે અને અજાણપણે દાણચોરીને પ્રોત્સાહન આપે તેવી છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં સરકારના પ્રયાસ છતાં ખેતમજૂરોનાં વેતનો ઘટયાં છે. ટૂંકા ગાળામાં આ 
બધાં પરિબળો સોનાની માગ પર દબાણ લાવી શકે એમ અહેવાલ જણાવે છે.
`સોનાની માગ ટૂંકા ગાળામાં સોનાનો ભાવ, કરવેરામાં ફેરફાર અને ફુગાવાના આધારે અને લાંબે ગાળે પારિવારિક આવક અને સરકારી કરવેરાને આધારે નક્કી થાય છે. અમને આશા છે કે અમારાં તારણો ભારતના સુવર્ણ ઉદ્યોગને સ્થાપિત પ્રથાઓ મજબૂત બનાવવાની અને ભવિષ્યમાં માગ વધારવાના નવા માર્ગો શોધવામાં ઉપયોગી થશે,' એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ભારત શાખાના સીઈઓ સોમસુંદરમ પીઆરે જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer