ઉદાર નાણાનીતિ ચાલુ રાખવા સામે એમપીસીના સભ્યનો વિરોધ

ઉદાર નાણાનીતિ ચાલુ રાખવા સામે એમપીસીના સભ્યનો વિરોધ
જયંત વર્માને ફુગાવાનું જોખમ વધતું દેખાયું
એજન્સીસ
મુંબઈ, તા. 22 અૉક્ટો.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની અૉક્ટોબરમાં મળેલી બેઠકમાં સમિતિના એક સભ્ય જયંત વર્માએ ઉદાર નાણાનીતિ ચાલુ રાખવા સામે સખત વાંધો દર્શાવ્યો હતો. બેઠકની મિનિટ્સ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. 
વર્માએ કહ્યું હતું કે ઉદાર નાણાનીતિને કારણે ફુગાવાનું જોખમ વધી રહ્યું છે. 
વર્માએ કહ્યું હતું કે કમિટી માત્ર વ્યાજ દર નક્કી કરે છે અને વિકાસ તથા ફુગાવો તેના અવકાશની બહાર છે.  
બજારને કોઈ આશ્ચર્ય ન આપવા માટે નીતિમાં ધીમે ધીમે ફેરફાર કરવાનો અભિગમ હવે યોગ્ય નથી એમ તેમણે બેઠકમાં કહ્યું હતું. 
અૉક્ટોબરની બેઠકમાં કમિટીએ રેપો રેટ યથાવત્ રાખ્યા હતા તેમ જ ઉદાર નાણાનીતિ પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. વર્માએ વ્યાજ દર યથાવત્ રાખવાની તરફેણમાં મત  આપ્યો હતો. 
તેમણે એવો અભિપ્રાય પ્રગટ કર્યો હતો કે મની માર્કેટના વ્યાજ દરમાં ઝડપથી વધારો કરવાથી ફુગાવાને અંકુશમાં રાખવા તરફ કમિટીની પ્રતિબદ્ધતા દેખાશે તેમ જ ફુગાવાની લોકોની અપેક્ષામાં ઘટાડો થશે, જોખમ ઘટશે, અને અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવશે. 
વધુમાં વર્માએ કહ્યું હતું કે આર્થિક વિકાસ મહામારી અગાઉ અસંતોષજનક હતો અને મહામારીની અસર ઘટે તો પણ આર્થિક સ્થિરતા આવતા સમય લાગશે. 
મને લાગે છે કે અત્યારના સંજોગોમાં વ્યાજ દર યોગ્ય છે જેથી આર્થિક રિકવરી થઇ શકે અને ફુગાવો બહુ વધે નહિ એમ વર્માએ કહ્યું હોવાની માહિતી મિનિટ્સમાં મળે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer