રફ ડાયમંડની આયાત-નિકાસ માટે જીજેઇપીસીનું સભ્યપદ ફરજિયાત

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 નવે. 
કેન્દ્રીય વાણીજ્ય મંત્રાલયે ગઇકાલે એક પરિપત્ર બહાર પાડી રફ હીરાની આયાત-નિકાસ માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)નું સભ્યપદ અનિવાર્ય કર્યું છે. નેચરલ ડાયમંડના પ્રમોશન માટે જીજેઇપીસી દ્વારા રફ હીરાના આયાત-નિકાસ ઉપર 0.02 ટકા લેવી વસૂલવામાં આવે છે. પરંતુ જે કંપનીઓ સભ્ય નથી તેઓ પાસેથી લેવી વસૂલી શકાતી નથી. જીજેઇપીસી દ્વારા આ મામલે વાણિજ્ય મંત્રાલયમાં રજૂઆત કરાઇ હતી. જેને પગલે નોટીફીકેશન જાહેર કરાયું છે કે રફ હીરાની આયાત-નિકાસ માટે જીજેઇપીસીનું સભ્યપદ હોવું અનિવાર્ય છે.  
નોંધવું કે, કુદરતી હીરા અને હીરા જડીત જ્વેલરીના કારોબારને ગતિ આપવા નેચરલ ડાયમંડ કાઉન્સિલ નામની વૈશ્વિક સંસ્થા કાર્યરત છે. નેચરલ હીરા-ઝવેરાતના પ્રમોશન માટે દુનિયાભરમાં વિવિધ કાર્યક્રમો યોજે છે. આ કાર્યક્રમોના આયોજનો માટે મોટા ફંડની જરૂર પડતી હોય છે. આ ફંડમાંથી 90 ટકા ફંડ રફ હીરા ઉત્પાદક કંપનીઓ આપતી હોય છે. જ્યારે જીજેઇપીસી પાસેથી આયોજક 10 ટકા રકમ વસૂલતા હોય છે. આ 10 ટકા રકમ જીજેઇપીસી પોતાના સભ્ય પાસેથી રફના આયાત-નિકાસ ઉપર 0.02 ટકા લેવી દ્વારા વસૂલે છે. મહત્વની વાત એ કે જે સભ્યો નથી તેઓ પાસેથી આ રકમ વસૂલી શકાતી નથી. એવામાં કેન્દ્રને રજૂઆત કરીને આવી કંપનીઓને પણ એક છત હેઠળ લાવવાના પ્રયાસો છે.  
નવા નિયમોથી અનેક કંપનીઓને ફરજીયાત જીજેઇપીસીનું સભ્ય બનવું પડશે. તેમજ આ સાથે જ રફ હીરાની સાચી આયાત-નિકાસનો આંક પણ સરળતાથી મળી રહેશે. નેચરલ ડાયમંડના પ્રમોશનથી હીરાના ઉદ્યોગકારોને જ ફાયદો થતો હોય છે. નવા નોટીફીકેશનથી નેચરલ ડાયમંડના પ્રમોશનને વેગ મળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer