કપાસના ઊંચા ભાવથી જિનિંગ ઉદ્યોગની હાલત કફોડી બની

પ્રતિ ખાંડીએ રૂ. 1500ના ફટકાથી 30 ટકા કારખાનાં બંધ થયાં
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 નવે. 
કપાસની તેજીને લીધે જિનીંગ મિલોની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. જિનીંગ મિલો ચાલુ તો થઇ છે પણ ડિસ્પેરિટીથી ઉદ્યોગ પીડાય રહ્યો છે. રૂના ભાવમાં તેજી આવશે એવી ગણતરીએ અત્યારે ઉત્પાદનનો ધમધમાટ છે પણ ધંધામાં કસ નથી તેમ જીનીંગ ઉદ્યોગે કહ્યું હતુ.  
ગુજરાતમાં હજુ 70 ટકા જીનીંગ મિલો જ શરૂ થઇ છે ત્યાં ગયા વર્ષ કરતા ગાંસડી પણ વધારે બંધાઇ છે. જોકે ઉત્સાહનો અભાવ છે. 700 જીનીંગ મિલો આવેલી છે.પરંતુ એમાંથી 500 જીનો જ વ્યવસ્થિત ચાલી રહી છે. બાકીની મિલો અનિયમિત રીતે ચાલી રહી છે.  
સૌરાષ્ટ્ર જીનીંગ એસોસીએશનના પ્રમુખ અરાવિંદ પટેલ કહે છેકે, કપાસનો ભાવ ગામડે રૂ.1675-1700 વચ્ચે ચાલે છે. કપાસ ખરીદીને રૂનું ઉત્પાદન કરાય ત્યારે જે પડતર બેસે છે તેના કરતા રૂના ભાવ નીચાં છે એ કારણે સમસ્યા છે. રૂની ગાંસડી ખાંડીએ રૂ. 65800 સોમવારે ઓફર થતી હતી. જોકે ઉત્પાદન પડતર કાઢતા આ ભાવ કરતા રૂ. 1000-1500 ગૂમાવવાના આવે. 
અન્ય એક જિનરે એવું કહયું કે નબળો સારો કપાસ ભેગો કરીને ગાંસડી બાંધે તો પણ રૂ. 500-600 ગૂમાવવાના જ આવે છે. આમ અત્યારે ડિસ્પેરીટીને લીધે ઉદાસિનતા છે. છતાં કોઇએ ઉત્પાદન બંધ નથી કર્યું પણ આવનારા દિવસોમાં રૂના ભાવમાં તેજી આવશે અથવા કપાસના ભાવ ઘટશે એવી આશાએ કામકાજ રોળવ્યા કરે છે. 
અરાવિંદભાઇ ઉમેરે છેકે, યાર્ન ઉત્પાદકોની માગ ઘણી સારી છે પણ ડિસ્પેરિટીમાં જીનરો લાંબો સમય ધંધો કરી શકે તેમ નથી. આ વર્ષ માઠું દેખાય રહ્યું છે. તેમના મતે કપાસના ભાવ ખાસ ઘટે એમ નથી. આ સ્થિતિમાં હવે ઉતારા સુધરે અને કપાસના ભાવ જળવાય તો જ પડતર બેસે. અત્યારે તો નાણા ગૂમાવવાનો સમય છે.  
જીનીંગ ઉદ્યોગનેગયા વર્ષે સારી કમાણી થઇ હતી એ કારણે અત્યારે નાણાના જોરે ઉદ્યોગકારો ટકી રહ્યા છે પણ નાણાનો પુરવઠો ઘટશે ત્યારે મુશ્કેલી પડશે. ગયા વર્ષે કોરોના છતાં વિશ્વ બજારમાં માગ સારી હતી અને કપાસ પણ સસ્તો મળતો હતો એટલે જીનીંગ ઉદ્યોગ માટે વર્ષ સોનેરી નીવડ્યું હતુ. 
જોકે આ વર્ષે નિકાસની માગ ઘણી નબળી છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 15 લાખ ગાંસડીના સોદા થયા હોવાનો અંદાજ છે. એમાંથી આશરે 6 લાખ ગાંસડીની રવાનગી થઇ ગઇ છે. હવે ધીરે ધીરે માલ જઇ રહ્યો છે. ભારતીય રૂનો ભાવ વિશ્વબજારમાં 122થી 125 સેન્ટ વચ્ચે બોલાય છે. એની સામે ન્યૂયોર્કનો કોટન વાયદો 118-120 સેન્ટની રેન્જમાં ચાલી રહ્યો છે. 
બ્રોકરો અને જિનરો કહે છેકે, પાછોતરા વરસાદ અને અગાઉ પાણીની ખેંચની અસર અત્યારે કપાસના ફાલ પર દેખાય છે. ઘણી જગ્યાએ ઇયળો પડ્યાના અને બગાડ થયો હોવાના સમાચાર આવી રહ્યા છે. પાક અગાઉની ધારણા કરતા ઘણો ઓછો આવે એવી ધારણા હવે પ્રબળ બનવા લાગી છે. ગુજરાતમાં ધ્રાંગધ્રા, હળવદ અને ઉત્તર ગુજરાત તરફ પાકની વીણી બહુ સારી દેખાતી નથી. બીજી તરફ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં વરસાદથી પાકમાં બગાડ થયો છે. પંજાબમાં પણ પાક ઓછો આવવાની ગણતરી મૂકાવા લાગી છે. આમ એકંદર ઉત્પાદન ઓછું આવશે તો કપાસના ભાવ આવનારા દિવસોમાં પણ ઘટવા મુશ્કેલ બની જાય તેમ છે. જેની અસર જીનીંગ ઉદ્યોગ પર પડ્યા વિના રહેવાની નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer