ડિજિટલ આમંત્રણથી કંકોત્રી ઉદ્યોગને ફટકો

``ડિજિટલ આમંત્રણમાં નથી જળવાતી આત્મીયતા''
અમારા પ્રતિનિધિ તરફથી       
રાજકોટ, તા. 23 નવે. 
કોરોનાના પીક પિરીયડમાં શરૂ થયેલો ડિજીટલ વ્યવહારોનો ટ્રેન્ડ હજુ માંગલિક પ્રસંગોમાં ચાલુ રહ્યો છે. તેના કારણે કંકોત્રી અને આમંત્રણ કાર્ડના વેચાણમાં 15-20 ટકા જેટલો ઘટાડો થયો છે. દસેક દિવસથી લગ્નગાળો પૂરબહારમાં છે, હજુ આવતા મહિને પણ ખૂબ લગ્નો છે ત્યારે કંકોત્રીને બદલે ઘણા લોકો વિડીયો મેસેજ કે પીડીએફ મોકલીને આમંત્રણ આપી રહ્યા છે. આમ પરંપરાગત રીતે લખાતી કંકોત્રીનું વેચાણ થોડું ઘટ્યું છે. અલબત્ત કંકોત્રીનો આગ્રહ મહેમાનો હજુ રાખે છે અને ડિજીટલ આમંત્રણમાં આત્મીયતા પણ નહીં દર્શાતી હોવાથી લોકો કંકોત્રી તરફ વળશે એમ ધંધાર્થીઓ માની રહ્યા છે. 
અનલોક પછી આવેલા નાના મોટાં પ્રસંદોમાં ડિજીટલી આમંત્રણ આપવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. જોકે હવે કોરોના જેવું કશું છે નહીં અને લોકો છૂટથી ઘેર માંગલિક ઉત્સવ મનાવી રહ્યા છે પણ કંકોત્રી તરફ હજુ ય કેટલોક વર્ગ વળ્યો નથી એટલે વેચાણમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો છે. 
રાજકોટની મધુરાશ કંકોત્રીના અજીત રાજદેવ કહે છેકે, 8થી 12 રૂપિયા સુધીમાં સારી કંકોત્રી મળી જાય છે. આર્થિક રીતે લોકો હોય અને કદાચ રૂ. 50ની કંકોત્રી ખરીદે તો પણ 100 નંગનું મૂલ્ય માત્ર 5 હજાર રૂપિયા થાય છે. આમ કુલ ખર્ચ માંડ 4થી 6 હજાર રૂપિયાનું થાય છે. જ્યાં પ્રસંગ હોય ત્યાં અંગત લોકોને કંકોત્રી અને અન્યોને આમંત્રણ કાર્ડ મોકલાય છે. તો પણ ખર્ચમાં સાધારણ વધારો થતો હોય છે. આમ કંકોત્રી આર્થિક રીતે પરવડે તેવી છે. છતાં થોડાં લોકો ડિજીટલના નવા ટ્રેન્ડમાં જોડાય છે.  
તેમણે કહ્યું કે, ડિજીટલ આમંત્રણ આપવામાં તો આવે છે પણ તે મેળવનારના માનસપટ પર એવી છાપ પડે છેકે આમંત્રણ આપનારે બહુ આત્મીયતા ન દાખવી, સંબંધો ઘટાડવા હશે કે આપવા ખાતર જ આમંત્રણ આપ્યું હશે. કંકોત્રી આપી હોય તો આવનાર પણ ગર્વ સાથે પ્રસંગમાં હાજર રહે છે. 
ખેર હવે સમયની સાથે ડિજીટલી પણ ચાલવું પડે છે. તેમના મતે હવે નાની વિડિયોક્લિપ મોકલીને પણ લોકોને આમંત્રિત કરાય છે. લોકોને આ ખ્યાલ ગમે છે, પિડીએફ પણ મોકલાય છે. આવો વર્ગ 20-25 ટકા કરતા વધારે નહીં હોય. 
એક કંકોત્રી ઉત્પાદક કહે છે, વેચાણ 20 ટકા જેટલું ઘટ્યું છે તેનું કારણ ડિજીટાઇઝેશન ઉપરાંત સાદાઇથી થયેલા કેટલાક લગ્નોનું પણ હોઇ શકે છે. આ વર્ષે તો કાગળના ભાવ પણ કાચા માલને લીધે ખૂબ ઉંચા છે એટલે તેની અસર પણ પડી છે. ઘણા લોકો એવું વિચારે છેકે ડિજીટલ આમંત્રણ આપી દેવું અને પછી તેમને આવવું હોય તો આવે. આમ કરીને સંખ્યા અને ખર્ચ પણ ઘટાડવામાં તેનો બુધ્ધિપૂર્વક ઉપયોગ થાય છે.  
રાજકોટના રૈયારોડ પર બંસી કંકોત્રીના જીજ્ઞેશ ચાવડા કહે છેકે, કોરોનાને લીધે માગ ઓછી રહેશે એ ગણતરીએ કંકોત્રીનું ઉત્પાદન ઓછું હતુ. એવામાં હવે લગ્નકાળો પુરબહારમાં ખીલતા મીડીયમ રેન્જની કંકોત્રીમાં અછત પણ વર્તાય રહી છે. કાગળના ભાવ વધ્યા છે પણ કંકોત્રીના ભાવ ખાસ વધારી શકાયા નથી. મધ્યમ અને નબળા વર્ગના લોકોમાં કંકોત્રીનું ચલણ હજુ ગયું નથી. આ વર્ગ ડિજીટલ આમંત્રણથી ટેવાયો નથી એવું અમે માનીએ છીએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer