જીરું અને ધાણાના વાવેતરને મોટો ફટકો

રાજ્યમાં 15.14 લાખ હેક્ટરમાં વાવણી સંપન્ન 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 નવે. 
ગુજરાતમાં ગયા સપ્તાહે ધીમી ગતિએ ચાલી રહેલું રવી પાકોનું વાવેતર હવે ગતિમાં આવ્યું છે. એક સપ્તાહમાં વાવેતર ગતિથી વધ્યું છે. 22 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં 15.14 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. જે ગયા વર્ષમાં 17.29 લાખ હેક્ટર હતુ. પાછલા સપ્તાહમાં ઘઉં અને ચણાના વાવેતરમાં મોટો વધારો થયો છે. મસાલા પાકોમાં જીરુ અને ધાણાના વાવેતર ઘટી ગયા છે.  
સરકારી ચોપડે ઘઉંનું વાવેતર 2.03 લાખ હેક્ટરમાં થયું છે. ગયા વર્ષના 3.16 લાખ હેક્ટર કરતા ઘણું પાછળ છે છતાં એક સપ્તાહમાં મોટો વધારો થયો છે. ગુજરાતમાં કુલ 17 ટકા વાવેતર થઇ ગયું છે. મકાઇનું વાવેતર પાછલા વર્ષના 35,581 હેક્ટર સામે 27,347 હેક્ટરમાં થઇ શક્યું છે. 
ચણાનું વાવેતર 3.57 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. જે પાછલા વર્ષ કરતા વધારે છે. ગયા વર્ષમાં 3.57 લાખ હેક્ટરમાં વાવેતર હતુ. આ વર્ષે ચણાના ભાવ સારાં રહેતા ખેડૂતોની પસંદગી તે તરફ રહી છે. રાયડામાં પણ ઉંચા ભાવની અસર વાવેતર પર જોવા મળી છે. રાયડાનું વાવેતર 1.75 લાખ હેક્ટરમાં થયું હતુ તેની સામે 2.35 લાખ હેક્ટર સુધી આંકડો પહોંચી ગયો છે.  
શેરડીનો વિસ્તાર 1.02 લાખ હેક્ટર જેટલો છે. જે ગયા વર્ષમાં 1.12 લાખ હેક્ટર રહ્યો હતો. મસાલા પાકોમાં જીરૂના વાવેતરને જબરો ફટકો પડ્યો છે. અત્યાર સુધીમાં 63,144 હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલ વર્ષમાં 1.68 લાખ હેક્ટરમાં હતુ. ગયા વર્ષમાં ભાવ નીચાં હતા છતાં દિવાળી પછી તેજી થઇ તો પણ ખેડૂતો વાવેતર માટે તૈયાર નથી. આ વર્ષે જમીનમાં વધુ પડતો ભેજ પણ જીરાને નડી રહ્યો છે.ચણા અને રાયડા જેવા પાકો પણ એનું એક કારણ છે. જીરૂના ટ્રેડરો કહે છે, સરકારે ચોપડે હવે 3 લાખ હેક્ટર કરતા વધારે વાવેતર થશે કે કેમ તે પણ કોયડા જેવું બની રહેશે. સામાન્ય રીતે વાવેતર 4.34 લાખ હેક્ટરમાં રહેતું હોય છે. 
ધાણાનો વિસ્તાર પણ આ વર્ષે ખાસ્સો ઘટી ગયો છે. પાછલા વર્ષના 60,693 હેક્ટર સામે 35,486 હેક્ટરમાં વાવેતર થયું છે. સામાન્ય વાવેતર 86 હજાર હેક્ટર આસપાસ રહેતું હોય છે.  
લસણનું વાવેતર 7763 હેક્ટરમાં હતુ તેની સામે 10276 હેક્ટરમાં થયું છે. લસણના ભાવ સારાં હોવાને લીધે ખેડૂતોએ વાવેતર વધાર્યું છે.  સવાનું 2605 હેક્ટરમાં અને ઇસબગુલનું 645 હેક્ટરમાં વાવેતર થયું છે. 
ડુંગળી અને બટાટાનો વાવેતર વિસ્તાર પાછલા વર્ષની તુલનાએ વધીને અનુક્રમે 30,262 અને 60,646 હેક્ટર રહ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer