ચાના ભાવ ઘટતાં મોટી કંપનીઓના નફા પર દબાણ : ઇક્રા

કોલકાતા, તા. 23 નવે.
ચાના ભાવ ગયા વર્ષની તુલનામાં ઘટી ગયા છે જ્યારે મજૂરોનાં વેતનો સહિતના ખર્ચ વધી ગયા છે. તેથી આ વર્ષે મોટી ચા ઉત્પાદક કંપનીઓના નફા પર દબાણ આવી શકે છે.
જોકે, આમ છતાં તેમની નાણાકીય કામગીરી ગયા વર્ષના (2020-21ના) મુકાબલે સારી રહેશે એમ રેટિંગ એજન્સી ઇક્રાએ જાણાવ્યું છે.
વધુમાં જે કંપનીઓ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ચાનું ઉત્પાદન કરે છે. તેમના નફા પ્રમાણમાં ઓછા ઘટશે. કારણ કે એપ્રિલ-સપ્ટેમ્બરમાં આસામ અને ડૂઅર્સના ટોચના પચાસ બગીચામાં પાકતી ચાની પત્તીઓના લિલામી ભાવમાં માત્ર નવ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સરેરાશ લિલામી ભાવમાં 25 ટકાનો ઘટાડો થયો છે એમ ઇક્રાના ઉપપ્રમુખ કૌશિક દાસે જણાવ્યું હતું.
આ વર્ષના જૂન મહિના બાદ ચાના પાકમાં ગયા વર્ષ કરતાં સુધારો થવાથી ભાવ ઘટવા લાગ્યા હતા. મોટા પાકને લીધે પુરવઠા ખેંચ હળવી થઈ હતી.
ટી બોર્ડના આંકડા અનુસાર નવેમ્બરના પ્રારંભમાં કોલકાતા ખાતે યોજાયેલા લિલામમાં સીટીસી પત્તી અને ભૂકીના સરેરાશ ભાવ ગયા વર્ષના કિલોએ રૂા. 223.97થી સાત ટકાના ઘટાડે રૂા. 209.17 રહ્યા હતા. જ્યારે ગુવાહાટી ખાતેના લિલામમાં તેમના ભાવ ગયા વર્ષના રૂા. 191.65થી ત્રણેક ટકા ઘટીને રૂા. 186.43 રહ્યા હતા.
આસામ અને પશ્ચિમ બંગાળમાં આવેલા ચાના બગીચાના મજૂરોનાં વેતનોમાં આ વર્ષે ખાસ્સો વધારો થયો છે. જેને લઈને ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આ ઉદ્યોગના કુલ ખર્ચમાં 70 ટકા જેટલો હિસ્સો વેતનોનો હોય છે તે ઉપરાંત વીજળી અને બળતણનો ખર્ચ પણ વધ્યો છે.
ઇક્રાની નોંધ કહે છે કે ઘટતા જતા ભાવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચને કારણે ઉત્તર ભારતની ચા કંપનીઓની નાણાકીય કામગીરી પર પ્રતિકૂળ અસર પડવાની ધારણા છે.
ચાના સ્થાનિક ભાવ ગયા વર્ષે પુરવઠા ખેંચને કારણે વધી ગયા હતા. આ વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં પણ ભાવ મજબૂત રહ્યા હતા, પણ જૂન પછી નવો પાક તૈયાર થવા લાગતા ભાવ નરમ પડવા લાગ્યા.
ઉત્તર ભારતના લિલામ કેન્દ્રોમાં એપ્રિલ-સપ્ટેમ્બરમાં ચાના સરેરાશ ભાવમાં કિલો દીઠ રૂા. 60નો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ ઘટાડો બોટલીફ વિભાગમાં (પોતાના બગીચા ન ધરાવતી, ખેડૂતો પાસેથી ખરીદેલી પત્તીમાંથી ચા બનાવતી કંપનીઓ) નોંધાયો હતો. જ્યાં સરેરાશ ભાવ આશરે 33 ટકા (રૂા. 77 પ્રતિ કિલો) ઘટી ગયા હતા. પોતાના બગીચા ધરાવતી કંપનીઓની ચાના ભાવ સરેરાશ 20 ટકા ઘટયા હતા અને તેમાં પણ ટોચના પચાસ બગીચાઓની ચાના લિલામ ભાવમાં તો માત્ર 8.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, એમ ઇક્રાનો અહેવાલ કહે છે.
ઉત્તર ભારતના બગીચાઓમાં જાન્યુઆરી-સપ્ટેમ્બર વર્ષાનુવર્ષ દરમિયાન ચાનું ઉત્પાદન વધ્યું છે. આમ છતાં તે 2019ના એ જ સમયગાળા કરતાં 800 લાખ કિલો અને 2018ના એ જ સમયગાળા કરતાં 500 લાખ કિલો ઓછું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer