બટેટામાં બિયારણની માગ નીકળતાં ભાવ ઊંચકાયા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 નવે.
બટેટામાં બિયારણની માગ નીકળતા ભાવ ઊંચકાયા છે. બટેટાના ઉત્પાદકમથક ડીસામાં બિયારણ માટે બટેટાની માગ નીકળતાં છેલ્લા 15 દિવસમાં કિલોએ ભાવ રૂા. આઠ-દસથી વધીને રૂા. 10-13 થયા છે, એમ ડીસાસ્થિત શ્રદ્ધા હાઈટેક કોલ્ડ સ્ટોરેજના ચંપકભાઈ માળીનું કહેવું છે.
હાલમાં ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં 60 લાખ પૅકેટ (પ્રત્યેક 50 કિ.ગ્રા.)નો સ્ટોક છે, જે એક વર્ષ અગાઉના કરતાં વધારે છે. નવા પાકની આવકોનો આરંભ ફેબ્રુઆરીથી થશે. કોલ્ડ સ્ટોરેજનો માલ ડિસેમ્બર સુધી બજારમાં આવતો રહેશે. ત્યારબાદ પંજાબની આવકો શરૂ થશે. સાથે સાથે સ્થાનિક માલની આવકથી માગ સંતોષાશે.
ડીસાના બટેટાની રવાનગી મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં થાય છે.
સ્થાનિક એપીએમસીમાં શનિવારે બટેટાની 17,276 ગૂણીની આવક થઈ હતી. હાલમાં બટેટાની માગ જળવાયેલી છે. સાધારણ રીતે આ સમયે પંજાબના બટેટાની આવકો શરૂ થતી હોય છે, પરંતુ તે વિલંબાઈ છે. તેથી ઉત્તર પ્રદેશના જૂના બટેટાના ભાવ કિલોએ રૂા. એકથી બે જેવા ઊંચકાયા છે. વાશીસ્થિત એપીએમસીમાં બટેટાની વિવિધ ગુણવત્તા મુજબ યુપી 3793ના રૂા. 15થી 18, યુપી હાયબ્રીડ કોલ્ડ સ્ટોરેજ રૂા. 13-16, સતારા રૂા. 8-17, તલેગાંવ રૂા. 8-17, મંચર રૂા. 8-17, ગુજરાત પુખરાજ રૂા. 10-14, ગુજરાત લાલગુલ્લા રૂા. 9-12, મધ્યપ્રદેશ જ્યોતિ રૂા. 13-22 અને મધ્યપ્રદેશ લોકરના રૂા. 18-22 કિલોના ભાવે વેપાર થઈ રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer