જપાનની જાહેરાત, કોરોનામાં ઉછાળાથી ક્રૂડ તેલમાં નરમાઈ

મેલબૉર્ન, તા. 23 નવે.
તેલમાં ગત સપ્તાહે જોવાયેલી નરમાઈ આ સપ્તાહમાં પણ ચાલુ રહી છે. જપાને તેના અનામત જથ્થામાંથી તેલ છૂટું કરવાની જાહેરાત કરવાથી બજારમાં માલ ભરાવો થવાની ચિંતા અને યુરોપમાં કોરોનાએ ફરીથી ઉથલો મારવાથી તેલની માગ ઘટવાની શક્યતાએ તેલના ભાવમાં વધુ ઘટાડો થયો હતો.
સોમવારે સવારે બ્રેન્ટ ક્રૂડ તેલ વાયદો 57 સેન્ટના ઘટાડે 78.32 ડૉલર અને અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ વાયદો 39 સેન્ટ ઘટીને 75.55 ડૉલર બોલાતો હતો. સોમવારે સવારે બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈના ભાવ 1 ઓક્ટોબર પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. જો કે મંગળવારે બન્ને વાયદા સુધરીને અનુક્રમે 80.03 ડૉલર અને 76.62 ડૉલર થયા હતા.
જપાનના વડા પ્રધાન ફુમીઓ કિશિદાએ શનિવારે કહ્યું કે અમેરિકાની વિનંતીને માન આપીને તેલના ભાવ નીચા લાવવા જપાન તેના અનામત જથ્થામાંથી તેલ છૂટું કરવા તૈયાર છે. જોકે જપાનના કાયદા અનુસાર કુદરતી આપત્તિ અથવા પુરવઠાની અછત હોય તો જ આમ થઈ શકે. 
દરમિયાન કોરોનાએ યુરોપમાં ફરીથી ઉથલો મારતાં તેલની માગ ઘટવાની ચિંતા ઘેરી બની છે.
જર્મનીએ ચેતવણી આપી છે કે તેણે કદાચ સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવો પડશે. ઓસ્ટ્રિયાએ આ અગાઉ કોરોના-સંક્રમણના વધતા જતા કેસોને પગલે ફરીથી કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રિયાએ આ મહિનાના પ્રારંભમાં લૉકડાઉન નાખ્યો હતો, જ્યારે જર્મની ઘરેથી કામ કરવાનું ફરજિયાત બનાવવાની તૈયારીમાં છે. આયરલૅન્ડ અને નેધરલૅન્ડમાં લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની સૂચના અપાઈ છે. દરમિયાન ચીન અને અમેરિકા અનામત જથ્થામાંથી તેલ છૂટું કરે તેવી સંભાવના છે.' એમ એએનઝેડે એક નોંધમાં કહ્યું છે.
વ્હાઈટ હાઉસે ઓપેકને તેલનો પુરવઠો જાળવી રાખવા દબાણ કર્યું છે અને કેટલાંક અગ્રણી દેશો સાથે તેમના અનામત જથ્થામાંથી તેલ છૂટું કરવા વિશે ચર્ચા કરી છે, જેથી તેલના ઉંચા ભાવ નીચા લાવી શકાય.
16 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં સટોડિયાઓએ અમેરિકન તેલના વાયદામાં લેણો ખંખેર્યા હતા.
દરમિયાન યમનમાં ઈરાન-સમર્થિત હૌથી બળવાખોરો સામે લડી રહેલા સાઉદી અરેબિયાએ રાતા સમુદ્રની દક્ષિણે જહાજોના પરિવહન અને આંતરરાષ્ટ્રીય વેપાર સામે જોખમ હોવાનું જણાવતાં તેલના રોકાણકારો પશ્ચિમ એશિયાની ઘટનાઓ ઉપર પણ નજર રાખી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer