નીચા મથાળેથી લેવાલી આવતાં ઘટાડો અટક્યો

આઈટી શૅરોમાં હજી વેચવાલીનું માનસ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 23 નવે.
સળંગ ચાર સત્ર સુધી ઘટયા બાદ મંગળવારે સ્થાનિક શૅરબજારોમાં ઉછાળો આવ્યો હતો. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોની શરૂઆત ઘટાડે જ થઈ હતી પરંતુ તે પછી શૅરબજાર રિબાઉન્ડ થયા હતાં. સત્રના અંતે સેન્સેક્ષ 198.44 પોઈન્ટ્સ (0.34 ટકા) વધીને 58,664.33ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈમાં નિફ્ટી 86.80 પોઈન્ટ્સ (0.50 ટકા) વધીને 17,503.30ના સ્તરે બંધ રહ્યો હતો. 
સત્ર દરમિયાન 2346 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 829 કંપનીઓના શૅર ભાવ ઘટયા હતા અને 153 કંપનીઓના શૅર ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. નિફ્ટીમાં જેએસડબ્લ્યૂ સ્ટીલ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ, એનટીપીસી અને તાતા સ્ટીલના શૅર ભાવ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બૅન્ક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, બજાજ અૉટો અને વિપ્રોના શૅર ભાવ સૌથી અધિક ઘટયા હતાં. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં આઈટી સિવાય દરેક સૂચકાંકોમાં વધારો થયો હતો. પાવર, મેટલ, રિયલ્ટી, ફાર્મા, કૅપિટલ ગુડ્સ, અૉઈલ ઍન્ડ ગૅસ, પીએસયુ બૅન્કમાં એકથી ત્રણ ટકાનો વધારો થયો હતો. વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ એક ટકા વધ્યા હતાં. 
લેટન્ટ વ્યૂ એનાલિટિક્સનો શૅર 179 ટકા ઉછાળે ખૂલ્યો
ડેટા એનાલિટિક્સ કંપની લેટન્ટ વ્યૂ એનાલિટિક્સનો શૅર આજે 179 ટકા ઉછાળે ખૂલ્યો હતો. પેટીએમના ધબડકા બાદ આ કંપની માટે પણ ચિંતા સર્જાઈ હતી. એનાલિસ્ટોનો મત હતો કે ઈસ્યુ ભાવ કરતા બમણો લિસ્ટ થશે, જ્યારે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 178 ટકા બોલાતું હતું. બીએસઈમાં શૅર 530 ખૂલ્યો હતો, જે ઈસ્યુ ભાવ કરતા 169 ટકા વધુ છે. ત્યાર બાદ સત્ર દરમિયાન એકંદર 179 ટકા ઉછળ્યા બાદ શૅરમાં ઘટાડો આવ્યો અને અંતે રૂા. 488.60ના સ્તરે બંધ રહ્યો હતો. કુલ 2073031 વોલ્યુમ હતું અને ટર્નઓવર મૂલ્ય રૂા. 104.47 કરોડ હતું. 
દલાલ સ્ટ્રીટનું સ્કોર કાર્ડ
બીએસઈમાં આજે 3415 કંપનીઓમાં ટ્રેડિંગ થયું હતું, જેમાં 2428 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 825 કંપનીઓના શૅર ભાવ ઘટયા હતા અને 162 કંપનીઓના શૅર ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. કુલ 162 કંપનીઓના શૅર ભાવ બાવન અઠવાડિયાની ટોચને સ્પર્શયા હતા, 58 કંપનીઓ બાવન અઠવાડિયાની નીચલી સપાટીને સ્પર્શયા હતા. આજે બીએસઈમાં સત્ર દરમિયાન 445 કંપનીઓને અપર સર્કિટ લાગી હતી અને 156 કંપીનઓને લોઅર સર્કિટ લાગી હતી. 
ટ્રેન્ડિંગ શૅર્સ
આજે બીએસઈમાં આરતી ડ્રગ્સ, અદાણી ગ્રીન, એજિસ લોજિસ્ટિક્સ, અમારા રાજા બેટરીઝ, બીબીટીસી, ભારતી એરટેલ, લુપિન, રેમંડ, વેદાંત, ટીસીએનએસ બ્રાન્ડ્સ વગેરે ટ્રેન્ડિંગમાં હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer