ગાર્મેન્ટ ઉદ્યોગની ફસાયેલી રૂા. 6500 કરોડની ઉઘરાણી સીએમએઆઈ દ્વારા આર્બિટ્રેશન સેલની રચના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 નવે.
ધી કલોધિંગ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઈ)એ ગાર્મેન્ટ વેપાર-ઉદ્યોગની ફસાયેલી ઉઘરાણીની સમસ્યાના હલ માટે `સીએમએઆઈ આર્બિટ્રેશન સેલ'ની સ્થાપના કરી છે. આથી સીએમએઆઈના આર્બિટ્રેશન ચુકાદાને કાનૂની ટેકો મળી રહેશે. અત્યાર સુધી વર્ષોથી સીએમએઆઈ તેના સભ્યોને સુલેહ-સમાધાન અને મધ્યસ્થીની સેવા આપતું રહ્યું છે. સીએમએઆઈએમાં આજે અહીં આયોજિત સેમિનારમાં સભ્યોને આર્બિટ્રેશનની પ્રોસેસ, નિયમો અને તેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. ભારતીય સ્થાનિક ગાર્મેન્ટ માર્કેટનું કદ રૂા. 6.5 લાખ કરોડનું છે. આમાં વિવાદીત, વિલંબિત કે નકારાયેલી ઉઘરાણીનું પ્રમાણ એક ટકો પણ ગણીએ તો ફસાયેલી ઉઘરાણીની રકમ રૂા. 6500 કરોડ જેટલી થઈ જાય છે. આપખુદ રીતે માલો પાછા મોકલવાની, ચુકવણી વેળા મનસ્વીપણે અમુક રકમ કાપી લેવાની કે નાના નાના એકમોની લાચારીનો લાભ ઉઠાવી ચુકવણી સમયસર ન કરવાની વૃત્તિ વધતી જાય છે. આ મુશ્કેલ સમયમાં ઉઘરાણીની રિકવરી માથાનો દુખાવો બની જાય છે. નાના કમર્શિયલ ગુનાઓ માટે કોર્ટે ચડવાનું સમય અને નાણાંની રીતે કોઈને પરવડતું નથી. આથી ઘણા લોકો કોર્ટમાં કેસ કરવાનું ટાળે છે. આની સામે આર્બિટ્રેશન (લવાદ) એ આર્બિટલ ટ્રિબ્યુનલ મારફત પક્ષકારો વચ્ચેની ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (એડીઆર) પ્રોસેસ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer