વાઇબ્રન્ટ સમિટમાં ફાર્મા ઉદ્યોગને વિશેષ મહત્ત્વ મળશે

8મી ડિસેમ્બરે એક ફાર્મા પ્રી-ઇવેન્ટ સેમિનાર યોજાય તેવા સંકેતો 
અનિલ પાઠક 
અમદાવાદ,તા.23 નવે. 
દેશમાં ફાર્મા હબ તરીકે ઓળખાતા ગુજરાતમાં આગામી 10મા વાઇબ્રન્ટ સમિટમાં આ ક્ષેત્રમાં થઇ રહેલી નવી ઇનોવેટીવ ટેક્નિકસ અને અન્ય ફાર્મા પ્રોડકટ્સનું રો મટિરિયલ રાજ્યમાં બનાવવામાં આવે તેવી આ આંતરરાષ્ટ્રીય ફોરમમાં 10,11,12 જાન્યુઆરી 2022ના દિવસોમાં ચર્ચા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. 
આ ચર્ચા દેશના ફાર્મા અગ્રણીઓ અને વૈજ્ઞાનિકોમાં થાય તે માટે રાજ્ય સરકાર આગામી 8મી ડિસેમ્બરે એક ફાર્મા પ્રી-ઇવેન્ટ સેમિનાર અત્રે યોજાશે તેવું ગુજરાતના ફૂડ અને ડ્રગ કમિશનર ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું છે. ફાર્મા સેકટર ગુજરાતમાં દવાઓ બનાવવા માટે અંદાજે 400 ટન જેટલા રો મટિરિયલ્સની આયાત કરે છે અને તેવું જ જુદા જુદા પ્રોડક્ટસ માટે થાય છે. 
આ પરિસ્થિતિમાં આવા રો મટિરિયલ્સ આપણને ગુજરાતમાં જ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવાના છે અને તે માટે જરૂર પડે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્ટયુટીકલ્સ પણ અન્ય ઉદ્યોગોની જેમ નાણાકીય ટેકો આપશે.  રાજ્ય સરકાર પણ ઇન્સેન્ટીવ્સ આપશે. ગુજરાતની મોટી ફાર્મા કંપનીઓ ઝાયડસ, ટોરન્ટ વગેરેએ કોરોના સામેની વૅક્સિન બનાવીને દુનિયામાં નામ કમાયું છે. હવે નાના બાળકો માટેની વૅક્સિન બનાવવામાં પણ ઝાયડસ આગળ વધી રહી છે તે પણ મોટી સિદ્ધિ કહી શકાય. 
ડૉ. કોશિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે  ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં પણ દુનિયાના અન્ય દેશો ગુજરાતમાં ફાર્મા યુનિટ્સ સ્થાપે તે માટે વિશિષ્ટ પ્રયાસો કરવાના છે. હાલમાં લગભગ 40 થી 50 ટકા કંપનીઓમાં અમેરિકન કોલોબ્રેશનથી કામ થઇ રહ્યું છે અને તેઓની કવોલિટી કંટ્રોલની માન્યતા અમેરિકન ડ્રગ એડમિનિસ્ટ્રેશન આવે છે. હાલમાં દેશના દવાઓના 2 લાખ કરોડના ટોટલ એક્સપોર્ટમાં 70,000 કરોડએ ગુજરાતનો ફાળો છે. આમ  વધુને વધુ ફાર્મા કંપનીઓ ગુજરાતમાં પોતાના યુનિટસ ઉભા કરે તેવા પ્રયાસો થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer