કતાર સાથેનો ગૅસ કરાર રિન્યૂ કરતાં પહેલાં ભારત શરતો મૂકશે

કતાર સાથેનો ગૅસ કરાર રિન્યૂ કરતાં પહેલાં ભારત શરતો મૂકશે
નવી દિલ્હી, તા.  23 નવે.
કતાર સાથેનો ગૅસ ખરીદીનો લાંબા ગાળાનો અબજો ડૉલરનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરતાં પહેલાં ભારત તેને અત્યાર સુધીમાં  તેણે ન આપેલો ગૅસ પૂરો પાડવાની માગણી કરે તેવી શક્યતા છે. પેટ્રોનેટ એલએનજીએ કતારની કતાર ગૅસ કંપની સાથે વર્ષે 75 લાખ ટન એલએનજી (લિક્વિફાઈડ નૅચરલ ગૅસ) ખરીદવાનો કરાર કર્યો છે જે 2028માં પૂરો થાય છે. જો તેને રિન્યૂ કરવો હોય તો પાંચ વર્ષ અગાઉ રિન્યૂઅલ પાકી કરી દેવી પડે.
કરારને રિન્યૂ કરવા વિશેની વાતચીત આવતા વર્ષે શરૂ થશે અને ભારતે 2015માં ન પૂરા સ્વીકારેલો 50 જહાજ ભરાય તેટલો ગૅસ કતાર 2022માં પૂરો પાડે તો જ કરાર રિન્યૂ થશે એવી શરત ભારત મૂકનાર છે એમ પેટ્રોનેટના ડિરેક્ટર વી કે મિશ્રાએ જણાવ્યું હતું.
2015માં ગૅસના ભાવ બે આંકડામાં પહોંચી ગયા એટલે ભારતે કરાર હેઠળના ભાવ વિશે ફેરવિચારણા કરવાની માગણી કરી અને એમ ન થાય ત્યાં સુધી પુરવઠો સ્વીકારવાની ના પાડી. કતારે ત્યારે કબૂલાત આપી કે જો ભારત વર્ષે વધારે દસ લાખ ટન એલએનજી ખરીદવા તૈયાર હોય તો તે ભાવ ઘટાડશે.
ભારતે ન સ્વીકારેલા ગૅસ વિશે એવી સમજૂતી થઈ હતી કે 2028માં કોન્ટ્રાક્ટ પૂરો થાય તે અગાઉ ગમે ત્યારે ભારત તે ગૅસ મગાવી શકશે. જો કતાર આ માગણી પૂરી ન કરી શકે તો બાકી રહેલો ગૅસ 2029માં મોકલવામાં આવશે.
મિશ્રાએ કહ્યું કે `અમે કતારને આ ગૅસ આ વર્ષે પૂરો પાડવાની વિનંતી કરી છે. એમણે હજી સુધી તેનો જવાબ આપ્યો નથી. કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની વાતચીત શરૂ થાય ત્યારે આ માગણી તાજી કરવામાં આવશે.'
એશિયામાં એલએનજીનો હાજર ભાવ 6 અૉક્ટોબરે 56.33 ડૉલરની અભૂતપૂર્વ સપાટીએ પહોંચ્યો હતો. એ ભાવે એલએનજીના સ્ટાન્ડર્ડ કાર્ગોનું મૂલ્ય 19 કરોડ ડૉલર થાય છે. પેટ્રોનેટ કતારને તેના ગૅસ માટે 11 ડૉલરનો ભાવ ચૂકવે છે જે તેલના ભાવ સાથે સંકળાયેલો છે. ગયે વર્ષે પેટ્રોનેટે કોન્ટ્રાક્ટ ઉપરાંત ત્રણ કાર્ગો ગૅસની માગણી કરી હતી, જાણ કતારગૅસે તેને બે કાર્ગો ગૅસ પૂરો પાડયો હતો.
પેટ્રોનેટ એલએનજીની સ્થાપના ચાર સરકારી તેલ કંપનીઓ (ઈન્ડિયન ઓઈલ કોર્પો., ભારત પેટ્રોલિયમ, ગૅઈલ અને ઓએનજીસી) દ્વારા કરાઈ હતી. પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ તેના અધ્યક્ષ છે. સૂત્રોના કહેવા મુજબ નૅચરલ ગૅસના ભાવ આસમાને ગયા છે ત્યારે ન પૂરો પડાયેલો ગૅસ પ્રાપ્ત કરવાના કંપનીના પ્રયાસોને સરકારનો ટેકો છે. પ્રસ્તુત 50 કાર્ગો ભારતને 11-12 ડૉલરના ભાવે મળશે જ્યારે હાલનો બજારભાવ તેનાથી બમણો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer