યુરોપનો હાડ ગાળતો શિયાળો અને પુરવઠાની ખેંચ નેચરલ ગૅસની તેજીનું ઇંધણ બનશે

યુરોપનો હાડ ગાળતો શિયાળો અને પુરવઠાની ખેંચ નેચરલ ગૅસની તેજીનું ઇંધણ બનશે
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 23 નવે.  
યુરોપમાં નેચરલ ગેસની તીવ્ર અછત સર્જાઇ છે. શિયાળો વધુ પડતો કડક હોવાથી ઘરો અને મકાનોને ગરમ રાખવાનો ખર્ચ યુરોપીયનોનાં ખિસ્સામાં કાણાં પાડશે એટલું જ નહીં પણ કોરોના મહામારીમાંથી માંડ બહાર આવી રહેલી અર્થવ્યવસ્થાને પાછી મુશ્કેલીમાં મૂકી દેશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુરોપને વચન આપ્યું છે કે તેઓ ઊંચા ભાવે યુરોપના ગેસ સ્ટોરેજ ભરવામાં મદદ કરશે. પરંતુ પુરવઠાની અછત અને રાજકીય સમસ્યાઓ ઊર્જા બજારમાં નકારાત્મક ભાગ ભજવશે અને ભાવને ઊંચે ટકાવી રાખવામાં મદદરૂપ થશે.  
આ તબક્કે તો એવું લાગે છે કે ગેસના ભાવ પાંચ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમબીટીયુ)ની ઉપર ટકાવી રાખવા બજાર ઝઝૂમી રહી છે.  જો એમ થાય તો તેજીના નવા દોર માટેનો માર્ગ મોકળો થઈ જશે. સાથોસાથ એ પણ જોવું રહ્યું કે બજારનાં અન્ય ફંડામેન્ટલ્સ નબળાં છે. તેથી ભાવને નીચે જવા માટેના દરવાજા ખૂલી શકે છે. એવું બનવાની શક્યતા જોતાં 4.5 અથવા 4 ડોલરનો સ્ટોપલોસ રાખવો પણ વાજબી રહેશે. 
અમેરિકાની ધરખમ નિકાસ અને વધુ પડતાં ઠંડા શિયાળાની ગણતરીએ નાયમેક્સ નેચરલ ગેસ વાયદો છેલ્લા પાંચમાંથી ચાર સત્રમાં વધ્યો હતો. ગયા શુક્રવારે ડિસેમ્બર નાયમેનક્સ 
3.57 ટકાના ઉછાળે ભાવ 5.07 ડોલર મુકાયો હતો. જાન્યુઆરી વાયદો 5.15 ડોલર હતો. અલબત્ત, કોરોના મહામારી જાગતિક અર્થતંત્ર અને ખાસ કરીને યુરોપ માટે વાઇલ્ડકાર્ડ પુરવાર થઈ શકે છે. 
એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન સૂચવે છે કે આ સપ્તાહે અમેરિકાનો ગેસનો દૈનિક ઉપાડ પાંચ અબજ ઘનફૂટ વધીને 28 અબજ ઘનફૂટ રહેશે. અલબત્ત પાંચ વર્ષની સરેરાશની તુલનામાં હાલની દૈનિક માગ સરેરાશ 2.2 અબજ ઘનફૂટ ઓછી છે. એનાલિસ્ટો કહે છે કે ઘરને ગરમ રાખવાના દિવસો સાથે જ કદાચ નેચરલ ગેસની ભૌતિક માગ પણ વધશે, જે હાજર બજારમાં તેજીનું ઈંધણ પુરવાર થશે. આગામી હવામાનના વર્તારા શિકાગો વાયદાના ડિલિવરી પોઈન્ટ પરના હાજર ભાવને 4.81 ડોલરની ઊંચાઈએ લઈ ગયા છે. 
ગત સપ્તાહે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે 48 ગેસ સ્ટોક પોઈન્ટ પર 12 નવેમ્બરે ઈંજેક્શન (ટાંકામાં માલનો ભરાવો) 26 અબજ ઘનફૂટ જેટલો ઓછો થયો હતો. ટાંકામાંથી ગેસ ઉપાડ પછી એકંદર સ્ટોક 3644 અબજ ઘનફૂટ રહ્યો હતો. નવેમ્બરના આરંભથી જ ગેસનો ભરાવો ઓછો થવાથી અમેરિકામાં નેચરલ ગેસનો જથ્થો પાંચ વર્ષની સરેરાશ 3725 અબજ ઘનફૂટ  કરતાં બે ટકા ઓછો હતો. 
વર્તમાન ભાવે નેચરલ ગેસની ડ્રાલિંગ પ્રવુત્તિ સારી એવી વધી છે. પરંતુ અમેરિકાના અખાતી કિનારાઓ પરથી થતી  નિકાસ અને રસાયણ-આધારિત ઉદ્યોગોમાં મૂડીરોકાણનું આકર્ષણ નબળા બંને હજી નબળાં છે. દરમિયાન કાર્યરત રીગની સંખ્યા સપ્ટેમ્બર 2021માં ઓગસ્ટ 2020ની મહામારી કરતાં બમણી થઈને 508 સુધી પહોંચી છે. જો 2018 અને 2019ની રીગ કરતાં આ સંખ્યા હજુ પણ અડધી જ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer