યુરોપિયન યુનિયને સ્ટીલ પરની જકાત લંબાવી : ભારત વળતાં પગલાં લેશે

યુરોપિયન યુનિયને સ્ટીલ પરની જકાત લંબાવી : ભારત વળતાં પગલાં લેશે
નવી દિલ્હી, તા. 23 નવે.
યુરોપિયન યુનિયને (ઈયુ) સ્ટીલની આયાત પરની સેફગાર્ડ ડયૂટી બીજાં ત્રણ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કરતાં ભારત અને ઈયુ વચ્ચેનો ગ્રજગ્રાહ વધુ તીવ્ર બન્યો છે. વિશ્વ વ્યાપાર સંસ્થા (ડબ્લ્યુટીઓ)ની તાજેતરની બેઠકમાં ઈયુએ પોતાના પગલાનો બચાવ કરતાં ભારતે પણ વળતા પગલામાં ઈયુના સભ્ય દેશોમાંથી આવતી ચીજો પર વધારાની જકાત નાખવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતે ઉપરોક્ત બેઠકમાં જણાવ્યું હતું કે ઈયુ નાખેલી સેફગાર્ડ ડયૂટીને કારણે ભારતની ઈયુ ખાતેની નિકાસમાં 1.168 અબજ યુરોનો ઘટાડો થયો હતો, જેના પર 29.2 કરોડ ડૉલરની જકાત લાગી શકી હોત.
રશિયા અને તુર્કીએ પણ ઈયુના નિર્ણય સામે વળતાં પગલાં લેવાના ઈરાદાની ડબ્લ્યુટીઓને જાણ કરી છે.
અમેરિકાએ 2018માં ભારત, રશિયા અને તુર્કી સહિત અનેક દેશોમાંથી થતી સ્ટીલની આયાત પર વધારાની જકાત નાખી તેને પગલે ઈયુએ પણ સ્ટીલની આયાત પર ટેરિફ રેટકવોટા પ્રથા અમલમાં મૂકી હતી.
ઈયુએ તેને સ્ટીલ પૂરું પાડનારા દેશો માટે ચોક્કસ ક્વોટા નક્કી ર્ક્યા હતા. જે દેશની સ્ટીલની નિકાસ નિયત ક્વોટાથી વધી જાય તો વધારાની નિકાસ પર 25 ટકા વધુ જકાત લાગુ પડે.
ઈયુએ ટીઆરક્યુ પ્રથામાં કેટલાક ફેરફાર ર્ક્યા અને પછી એ પગલાંને ત્રણ વર્ષ લંબાવવાની જાહેરાત કરી ત્યારબાદ ભારતીય નિકાસકારોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
ઈયુએ સ્ટીલની આયાત પર ટેરિફ રેટ ક્વોટા નાખવાનો એક ઉદ્દેશ અમેરિકા માટેના સ્ટીલને ઈયુની બજાર તરફ વળી જતાં અટકાવવાનો હતો. પરંતુ આને કારણે ભારતીય નિકાસકારોએ વગરવાંકે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેથી જ ભારતે નક્કી ર્ક્યું છે કે ઈયુ તેનો નિર્ણય પાછો ન ખેંચે તો તેના માલ પર વધારાની પ્રતિકારાત્મક જકાત નાખવી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ઈયુએ સેફગાર્ડ ડયૂટીની મુદત લંબાવવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે તેણે આ બાબતમાં તપાસ કરાવી હતી અને તેને જણાવ્યું હતું કે તેનું પગલું વિશ્વ વ્યાપાર સંસ્થાના ધારાધોરણ અનુસારનું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer