માવઠાંને કારણે ઉ.ગુજરાતની મંડીમાં આવકો ઘટી

કેવલ ત્રિવેદી
હિંમતનગર, તા. 3 ડિસે.
કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ આપી હોવાથી હિંમતનગર એગ્રિકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)એ 30 નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી ખેડૂતો અને વેપારીઓને ઉત્પાદિત ખેત પેદાશોને નુકસાન ન થાય તે માટેના જરૂરી પગલા લેવાની સલાહ આપી હતી. આગામી મુજબ સંપૂર્ણ સાબરકાઠામાં વરસાદ પડયો હતો જેની કામકાજ ઉપર નોંધપાત્ર અસર પડી હતી.
હિંમતનગર એપીએમસીના ચેરમેન જેઠાભાઈ પટેલે કહ્યું કે, વરસાદને લીધે મગફળી સહિત ઘણા ઉત્પાદનોની આવકમાં ઘટાડો થયો છે. હિંમતનગર એપીએમસીમાં સેન્ટિમેન્ટ સકારાત્મક રહ્યું છે. મગફળીનો પાક સારો થયો છે. ફક્ત આ વરસાદને લીધે ખેડૂતોના પરિવહન ઉપર અસર પડી છે. 
એપીએમસીના વાઈસ ચેરમેન ઈલીયાસભાઈ ઝાંખાવાલાએ કહ્યું કે, પહેલી ડિસેમ્બરે થોડાક પ્રમાણમાં ખેત પેદાશોની આવક હતી પરંતુ બીજી ડિસેમ્બરે આવક બિલકુલ નહોતી. કોઈ ખેડૂતોને પૈસાની જરૂર હોય અથવા માલ રાખવાની જગ્યા ન હોય તો જ આવા સમયે એપીએમસીમાં આવક થતી હોય છે. વાતાવરણ ખરાબ હોવાથી જે વેપારી પાસે ગોડાઉનની વ્યવસ્થિત સગવડ હોય તે જ ખરીદી કરી શકે. હાલમાં મગફળીની આવક વધારે છે એવામાં ખરાબ હવામાનને લીધે મગફળીને ફોલી ન શકાય.
મણીભાઈ પટેલે કહ્યું કે, ખરાબ હવામાનને લીધે કામકાજ અટકે એ સ્વાભાવિક છે. દરરોજ 10થી 15 હજાર ગુણી મગફળી આવતી હતી. ઉપરાંત ઘઉં, સોયાબીન, અડદની આવક ઉપર પણ પ્રતિકૂળ અસર પડી હતી. ઘઉંની દરરોજ 500 ગુણીની આવક થતી હોય છે, જ્યારે અડદની આવક 100થી 150 ગુણીની હોય છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer