કોરોના નાની 1938 કંપનીઓને ભરખી ગયો

અનેક ઉદ્યોગો નાણાભીડમાં બંધ થઇ ગયા
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા.3 ડિસે. 
કોરોના કાળમાં આમ તો તમામ સેક્ટર ભીંસમાં આવ્યા હતા. લોકડાઉનહળવા થતા રાહત મળી અને દિવાળી આસપાસ બધા ક્ષેત્રોમાં સારી રોનક આવી હતી. જો કે આ દરમિયાન હજારો નાની કંપનીઓ બંધ થઇ ગઈ છે. ગુજરાતની વાત કરીએ તો આ આંકડો 1938 જેટલો થાય છે. મોટા ભાગની કંપનીઓ લઘુ અને મધ્યમ કક્ષાની છે. 
કેન્દ્ર સરકારના કોર્પોરેટ અફેર મંત્રાલયે સંસદમાં મુકેલા આંકડા મુજબ જ્યારથી કોરોના શરુ થયો છે ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં હજારો કંપનીઓ બંધ થઇ ગઈ છે. ગુજરાતનીકંપનીઓનીસંખ્યા 1938 થવા જાય છે. 
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીઆઇડીસી કમિટીના ચેરમેન અજીતભાઈ શાહ જણાવે છે કે 'નાના ઉદ્યોગો કોરોના અગાઉ પણ નાણાભીડનો અનુભવ કરતા હતા. કોરોનામાં તો આ ભીડ વધીને એટલી મોટી થઇ ગઈ કે બાદમાં નાના ઉદ્યોગોએ કા તો ઉત્પાદન ઓછું કરવું પડે અથવા તો ઇન્ડસ્ટ્રી જ બંધ કરી દેવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયુંહતુ. માલ આપ્યા પછી પણ પૈસા ન મળે અને બીજી તરફ ઉત્પાદન માટે ફંડ પણ જોઈએ. આ પરિસ્થિતિના કારણે જ અનેક નાના ઉદ્યોગોને તાળા લાગી ગયા.' 
ટુરિઝમ, હોસ્પિટાલિટી, ટુર ટ્રાવેલ્સ જેવા સેક્ટરને વધુ ફટકો પડ્યો અને નાણાંભીડના કારણે ટકવું મુશ્કેલ બનતા આખરે ધંધો બંધ કરી દેવો જ હિતાવહ લાગ્યો એવું સંચાલકો કહે છે. 
દશકાઓથી ટુરિઝમ સાથે જોડાયેલા મહેશભાઈ દુદકીયા જણાવે છે કે 'અમારા ઉદ્યોગે સૌથી ખરાબ સમય કોરોના દરમિયાન જોયો છે. સ્ટાફનો પગાર, ઓફિસ ખર્ચ અને અન્ય પરચુરણ ખર્ચ તો કરવા જ પડે અને સામે બુકીંગ તો મહિનાઓ સુધી બંધ હતું એટલે જ જે લોકો નવા નવા હતા તેમને નાછૂટકે પોતાની ઓફિસ બંધ કરી દીધી. હજુ પણ કોરોનાનું જોખમ ઉભું જ છે. જયારે દેશ અને દુનિયામાં પરિસ્થિતિ સરળ બનશે ત્યારે જ ફરી રોનક આવશે.' 
હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અને છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં કંપની સ્થાપીને કામ કરતા એક કારોબારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 'છેલ્લા 2 વર્ષનો સમય ખરાબ ગયો, જયારે કંપની શરુ કરી ત્યારે રોકાણના 18 થી 24% કમાણી પણ કરી, પરંતુ આ કમાણી કોરોનામાં તો ગઈ પરંતુ સામે મોટું નુકસાન પણ ગયું. બેઠેબેઠા સ્ટાફને થોડો સમય પગાર આપ્યો, અન્ય ખર્ચ કર્યા, હોટેલ સાથે કરેલા જોડાણમાં પણ રૂપિયા આપ્યા અને સરવાળે મોટી નુકસાની સહન કરી.'  જો કે હવે દરેક સેક્ટરમાં પરિસ્થતિ ઘણી સામાન્ય થઇ રહી છે અને જો કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન બહુ ઘાતક સાબિત નહિ થાય તો જ ઉદ્યોગો ફરી પાટે ચડશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer