સર્વિસીસ પીએમઆઇ નવે.માં વધીને 58.1 થયો

એજન્સીસ               
નવી દિલ્હી, તા. 3 ડિસે. 
દેશના આર્થિક વૃદ્ધિ દરના આંકડા સકારાત્મક આવ્યા બાદ નવેમ્બર માસમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર બાદ સર્વિસીસ પીએમઆઇ પણ સારો આવ્યો છે. આઇએચએસ પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ)ના સર્વે મુજબ નવેમ્બર મહિનામાં સર્વિસીસ પીએમઆઇ જુલાઇ 2011 પછી બીજા ક્રમે સૌથી વધારે ઝડપથી વધીને 58.1 થયો છે. જોકે, અૉક્ટોબર મહિનામાં 58.4 અંકથી તે સહેજ નીચે છે. 50 અંકથી ઉપર અર્થતંત્રમાં વૃદ્ધિ અને તેનાથી નીચેનો અંક અર્થતંત્રમાં સંકોચનનો નિર્દેશ કરે છે.
અશિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર - ભારતમાં કોવિડ વિરોધી રસીકરણનો વેગ ઝડપી થવાથી અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પાછળ ખર્ચમાં અને માગમાં માતબર વધારો થવાથી સર્વિસીસ પીએમઆઇમાં વધારો થયો હોવાનું આ આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. સર્વિસીસ સેક્ટરમાં આ સતત ચોથા મહિને વધારો નોંધાયો હોવાનું આ અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે. 
મોટાભાગની કંપનીઓ એવું માની રહી છે કે આગામી કાળમાં વૃદ્ધિ ટકી રહેશે અને ઉત્પાદનનું સ્તર પણ ઊંચું રહેશે જોકે, ફુગાવામાં વધારે અને નવા કોવિડ વાયરસના કારણે આગળ જતાં અર્થતંત્ર સામે પડકારો હોવાની ટકોર આ સર્વેમાં કરવામાં આવી છે. 
કોવિડના નવા વેરિયન્ટ અને ફુગાવો એ બે પરિબળો આજે અર્થતંત્ર સામે સૌથી મોટા પડકાર સમાન હોવાનું આઇએચએસ માર્કિટના વરિષ્ઠ અર્થશાત્રી પોલિયાના દ લીમાએ જણાવ્યું છે.  દરમિયાન, બિઝનેસ સેન્ટિમેન્ટ બહેતર થયું હોવા છતાં નવા કર્મચારીઓની ભરતી સતત ત્રીજા મહિનામાં નકારાત્મક રહી હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
સર્વે મુજબ આ ક્ષેત્રમાં ઊંચા સર્વિસીસ દર અને વધેલા ફુગાવા છતાં તેનો બોજ ગ્રાહકો ઉપર ઓછો પસાર કરવાનું કંપનીઓએ મુનાસીબ માન્યું છે. જોકે, ઓમિક્રન નામના નવા વાયરસનો પ્રકોપ કેટલો છે તેના ઉપર આ સેક્ટરના ભાવિનો આધાર રહેલો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer