જીએસટી વૃદ્ધિ સામે કાપડ ઉદ્યોગ આંદોલન તેજ કરશે

મજૂર મહાજન સંઘ સક્રિય હોત તો સરકાર જીએસટીમાં ફેરફાર કરત જ નહીં 
અનિલ પાઠક 
અમદાવાદ, તા.3 ડિસે. 
કેન્દ્ર સરકાર દ્વારા ટેક્ષટાઈલ પરનાં જીએસટી ટેક્ષને 5થી 12 ટકા કરવાનાં નિર્ણયની સામે લાખ્ખો લોકોને રોજી આપતો અને કરોડોની આવક કમાઈ આપતો કાપડ ઉદ્યોગ ખૂબજ નારાજ છે અને આ નવા દર પાછા ખેંચવામાં નહી આવે તો ઉદ્યોગ દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે.  
ગુજરાત જ નહીં જે રાજ્યોમાં ટેક્ષટાઈલ મિલો પ્રોસેસ હાઉસીંસ રેડીમેડ કાપડનાં યુનિટ્સ આવેલા છે તેઓ પોતાના શટર્સ ડાઉન કરી દેશે અને રાજ્યનાં અર્થતંત્રને ભારે નુકશાન સહન કરવું પડશે.  
અમદાવાદમાં ટેક્ષટાઈલ વર્કસની યુનીટી માટે વર્ષોથી કાર્યરત મજુર મહાજન સંઘ હવે લગભગ બંધ થઈ ગયું છે તે લાખ્ખો કામદારોની કમનસીબી છે. જો આજે આ ટ્રેડ યુનિયન સક્રિય હોત તો સરકાર આવી હિંમત જ ના કરે. અમદાવાદમાં આવેલી 60થી વધુ મિલો ચાલતી હતી ત્યારે સરકાર માટે આવકનો આ ઉદ્યોગ મોટો સોર્સ હતો.  
આજે પણ જીએસટીથી ગુજરાતને 30,000 કરોડની આવક મળે છે અને જો 1ર ટકા ટેક્ષ 1લી જાન્યુઆરીથી લેવાશે તો ગુજરાતમાં ભડકો થશે? 
ટેક્ષટાઈલને લીધે અમદાવાદ અને સુરત બે મોટા હબ છે અને ત્યાં રેડીમેડ ઉદ્યોગ પણ પાંગર્યો છે. હજારો બહેનો રેડીમેડ ડ્રેસીસ બનાવી ઉદ્યોગને કરોડો રૂપિયા કમાઈ આપે છે. આ બધુ બંધ થઈ જાય જો 12 ટકા જીએસટીનો અમલ કરવામાં આવશે.  
ગુજરાતનાં ઉદ્યોગને બચાવવા કેન્દ્ર સમક્ષ જલદ કાર્યક્રમો આપવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે પરંતુ તે પહેલા જ કદાચ કેન્દ્ર સરકાર પોતાનો નિર્ણય પાછો લઈ લેશે. ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલ અને મસ્કતી મહાજનનાં પ્રમુખ ગૌરાંગ ભગતનું માનવું છે કે આ બાબતે સરકાર ફેર વિચારણા કરશે. કોરોનાકાળ અને તે અગાઉ નોટબંધી વગેરેથી મારખાઈને બેઠેલા આ ઉદ્યોગ માટે 5 ટકાથી 12 ટકાએ પડયા પર પાટુ સમાન સાબિત થશે.  
રાજ્ય સરકાર પણ પરિસ્થિતિની ગંભીરતા સમજે છે અને આગામી બે ત્રણ દિવસમાં રાજ્યનાં નાણા મંત્રી અને સચિવોની ટીમ દિલ્હી રજૂઆત કરવા જઈ રહી છે. આ વધારો ટાળવામાં જ ઉદ્યોગોનું હિત છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer