વાયબ્રન્ટ ગુજરાત : નિરર્થક વિવાદ

મહાનગર મુંબઈમાં રાજકારણ સાથે અર્થકારણ પણ જોડાયું છે! ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત માટે મુંબઇના વ્યાપાર-ઉદ્યોગપતિઓ તથા વિદેશોના કોન્સ્યુલ જનરલોને મળ્યા અને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આમંત્રણ આપ્યાં. રાજ્યના ઉદ્યોગ સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ તો આમંત્રિતો સમક્ષ ગુજરાતની સિદ્ધિ, શક્તિ અને શાંતિની આંકડાબદ્ધ માહિતી આપીને સૌને મંત્રમુગ્ધ કર્યા. ગુજરાત માટે આ ગૌરવનો વિષય છે. અલબત્ત વાયબ્રન્ટ ગુજરાત માટે મુંબઈમાં `રોડ શૉ' કોઇ નવી વાત નથી પણ આ વખતે મમતા બેનરજી એમની રાજરમત માટે મુંબઈ આવ્યાં, શરદ પવારને મળ્યાં અને વડા પ્રધાનપદની `દાવેદારી' શરૂ કરી, રાજકીય નેતાઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓને મળ્યાં. આ પછી ભાજપના પ્રવક્તાએ ટીકા કરી કે મમતા બેનરજી મહારાષ્ટ્રનો `િબઝનેસ' બંગાળ લઈ જવા માગે છે-!  આવી ટીકા પછી શિવસેનાના પ્રવક્તા-સંસદ સભ્ય સંજય રાઉત ગુજરાત ઉપર ઊકળી ઊઠયા : મમતા બેનરજી મહારાષ્ટ્રને લૂંટવા આવ્યા નથી (રાજકીય ભાગીદારી- કે સાથીદારી માટે આવ્યાં હતાં) તો શું ગુજરાતના મુખ્ય પ્રધાન મુંબઈને લૂંટવા આવ્યા હતા?
`ગુજરાતના મુખ્ય પ્રધાન પોતાના પ્રધાનો સાથે મુંબઈમાં વ્યાપાર-ઉદ્યોગ, અગ્રણીઓને મળવા-આકર્ષવા આવ્યા તે બાબત ભાજપના પ્રવક્તા કેમ ચૂપ છે? હકીકતમાં ગુજરાત આત્મનિર્ભર છે - તે મુંબઈને આભારી છે... એમ કહીને સંજય રાઉતે આક્રમક આક્ષેપ કર્યો કે મુંબઈના ભોગે ગુજરાતને ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સેન્ટર મળ્યું છે તે માટે જવાબદાર ભાજપ જ છે.'
`મુંબઈનું સ્વપ્ન રોળાઈ ગયું ત્યારે ભાજપે જોયા કર્યું. હવે ઉત્તર પ્રદેશના યોગી સિનેમા ઈન્ડસ્ટ્રીને ખેંચી જવા માગે છે! આ વિશે ભાજપના સ્થાનિક નેતાઓ શું કહેવા માગે છે? મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાતમાં ગયા છે તે માટે ભાજપ-જવાબદાર છે!' વાસ્તવમાં વધુ સવલતો, આકર્ષક શરતો, ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ, કામદાર શાંતિના કારણે ઉદ્યોગો ગુજરાત ગયા છે -મુંબઈની સ્થિતિ - અશાંતિ સૌ કોઈ જાણે છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી તે પછી રાજ્યની કાયાપલટ થઈ છે. વિરોધીઓ લાલુ યાદવે પણ ગુજરાતના માર્ગોને હેમામાલિનીના ગાલ સાથે સરખાવ્યા હતા- તે યાદ છે? 
ગુજરાત પછી મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોએ પણ ઔદ્યોગિક વિકાસ માટે પગલાં ભરીને અનુસરણ કરવા શરૂઆત કરી છે! આર્થિક ઔદ્યોગિક વિકાસ સાધવો હોય તો રાજ્યો વચ્ચે સ્પર્ધા હોવી જોઈએ, રાજકારણ બાજુએ રાખીને! મહારાષ્ટ્રમાં આઘાડી સરકારે બે વર્ષ પૂરાં કર્યાં તેની સિદ્ધિને બદલે પ્રસિદ્ધિ પોલીસ તંત્રની થઈ રહી છે...
કોરોના પછી ઓમિક્રોન વાયરસના અહેવાલ છે ત્યારે ભારતમાં ભય નહીં, સાવધાનીનું વાતાવરણ છે, તેની મોટી રાહત છે. અર્થતંત્રનો આશાવાદ હવે વિશ્વાસ બન્યો છે. દરમિયાન કિસાન આંદોલન અને રાજ્યસભામાં વિપક્ષી સભ્યોનાં સસ્પેન્સનના વિવાદનો અંત હવે આવે એવી આશા છે.
કિસાન આંદોલન અને વડા પ્રધાન મોદીએ નમતું જોખ્યા પછી વિપક્ષો આક્રમક બની રહ્યા છે - કેટલાક નેતાઓને હવે સત્તા હાથવેંતમાં દેખાય છે - તેથી હુંસાતુંસી અને સ્પર્ધા શરૂ થઈ છે. મમતા બેનરજી મુંબઈ આવીને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સુપ્રીમો શરદ પવારને મળ્યાં. આદિત્ય ઠાકરેને મળ્યા. કૉંગ્રેસના નેતાઓને મળવાનો પ્રશ્ન જ નથી. નવી દિલ્હીમાં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પણ મળવા ગયાં નથી. હવે એમણે યુપીએના અસ્તિત્વ સામે સવાલ ઊભા કર્યાં છે અને રાહુલ ગાંધીની નિષ્ફળ નેતાગીરીને પડકારી છે. શરદ પવારે દહીં- દૂધમાં પગ રાખ્યા છે કારણ કે મહારાષ્ટ્ર સરકાર-કૉંગ્રેસના ટેકા ઉપર ટકી છે. આ સંજોગોમાં કૉંગ્રેસે પણ મમતા બેનરજી ઉપર આકરા પ્રહાર કર્યા છે - પણ શરદ પવાર અંગે ચૂપ છે- કૉંગ્રેસના નેતાઓ પવારસાહેબનો પવન પારખવા માગે છે- ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામ પછી રાજકીય ઊથલપાથલ શરૂ થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer