કમોસમી વરસાદથી શાકભાજી, ચીકુના પાકને ભારે નુકસાન

કમોસમી વરસાદથી શાકભાજી, ચીકુના પાકને ભારે નુકસાન
શેરડીનું પિલાણ અટકી પડ્યું 
ખ્યાતિ જોશી  
સુરત, તા. 3 ડિસે. 
છેલ્લા બે દિવસથી સુરત અને આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા જગતના તાતને ભારે નુકશાન પહોંચ્યું છે. બે દિવસથી રાજ્યમાં વાતાવરણમાં પલટો થતા ખેતરોમાં શાકભાજીના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. આ તરફ વરસાદને કારણે મીલોમાં શેરડીનું પિલાણ અટકી પડ્યું છે. તો ચીકુના તૈયાર પાકને ભારે નુકશાન થયું છે.  
દક્ષિણ ગુજરાતમાં શેરડી, ડાંગર સહિત મોટા વિસ્તારમાં બાગાયત પાકની ખેતી ખેડૂતો કરે છે. આ ઉપરાંત શાકભાજીની ખેતી પણ મોટા પ્રમાણમાં ખેડૂતો કરે છે. શિયાળામાં શાકભાજીનો ઉતારો વધુ આવે છે. મોટાભાગના ખેતરોમાં શાકભાજીના ઉભા પાકને ભારે નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.  
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાના પ્રમુખ રમેશભાઇ પટેલ(ઓરમા) કહે છે કે, કમોસમી વરસાદના કારણે શેરડીના પિલાણને અસર પહોંચી છે. ખેતરોમાં કાદવ થતાં શેરડી કાઢવાનો ખર્ચ વધશે. આ ઉપરાંત ઘઉંની વાવણીનો સમય છે. ઘણા ખેડૂતોએ થોડા દિવસો અગાઉ જ વાવણી કરી છે તેઓને વરસાદના લીધે નુકશાન થયું છે. ફરીથી ખેડાણનો ખર્ચ કરવો પડી શકે છે. શાકભાજીનો પાક પણ ભારે ક્ષતિગ્રસ્ત થયો છે.  
વલસાડ ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઇ પટેલ કહે છે કે, કમોસમી વરસાદે ખેડૂતોને રડવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરે છે. કેરી અને ચીકુના ખેતરો ધરાવતા ખેડૂતોને કમોસમી વરસાદને લીધે ભારે નુકશાન વેઠવાનો વખત આવ્યો છે. વૃક્ષો ઉપર તૈયાર ચીકુના પાકને નુકશાન થવાની દહેશત છે. ચીકુમાં ઇયળ પડી જવાની ભીતિ છે. તો અત્યારે શિયાળામાં આંબાના વૃક્ષો ઉપર મોર બેસતા હોય છે. વરસાદના કારણે ઠેકઠેકાણે મોર ખરી પડ્યા છે. કેરીનો પાક ઓછો આવે તેવી ભીતિ છે. ડાંગરનો પાકની તો કાપણી થઇ ચૂકી છે એટલે ખેડૂતોને ઉભા પાકનું નુકશાન નથી પરંતુ ડાંગરની પૂળીઓ વરસાદમાં પલળી જતાં તેના ભાવ મળવા મુશ્કેલ બન્યા છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer