પ્રદૂષણ ફેલાવતાં કાપડ યુનિટના ડ્રેનેજ કનેક્શન કપાયાં

પ્રદૂષણ ફેલાવતાં કાપડ યુનિટના ડ્રેનેજ કનેક્શન કપાયાં
સાબરમતીમાં ટ્રીટમેન્ટ વિનાનું પાણી છોડાતાં ફરિયાદ
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 3 ડિસે. 
અમદાવાદની કાપડ મિલો મુશ્કેલીનો સામનો કરી રહી છે, આ મુશ્કેલીનું કારણ કોરોના નહિ પરંતુ તેમની કાપી નાંખવામાં આવેલી ડ્રેનેજ લાઈન છે. કાપડ ઉત્પાદનમાં પાણીનો મોટાપાયે ઉપયોગ થાય છે અને આ ઉપયોગમાં લેવાયેલા પાણીને ડ્રેનેજમાં છોડવામાં આવે છે. જો કે પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ છોડવામાં આવે છે તેવી ફરિયાદ ઉઠી હતી અને કોર્પોરેશને અમુક ઉદ્યોગોના ડ્રેનેજ લાઈન કાપી નાખતા મોટી મુશ્કેલી ઉભી થઇ છે અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. 
સાબરમતીમાં વધારે પ્રદુષિત પાણી આવી રહ્યું છે અને આ જ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી, અને આના કારણે કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જવાબ માંગ્યો. બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે ઉદ્યોગો દ્વારા જે પાણી છોડવામાં આવે છે તેમાં બેક્ટેરિયાની માત્રા મોટા પ્રમાણમાં મળી આવી અને આના કારણે કોર્ટના આદેશ બાદ અત્યાર સુધી 122 ઉદ્યોગના ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા. 
આ ક્નેક્શન કપાતા ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાયેલું જે પાણી સુએજ પ્લાન્ટમાં જવું જોઈએ તે જવાનું બંધ થઇ ગયું, અને આના કારણે ના છૂટકે ઉદ્યોગોને પોતાનું ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી. આ ઉદ્યોગોમાં અસીમા, અરાવિંદ, એન્ટિકોર જેવી મિલ પણ શામેલ છે જેના જોડાણ કાપી નાખવામાં આવ્યા હોઈ. 
આ જોડાણ કપાઈ જવાના કારણે કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. વાવિંગ, ફેબ્રિક્સ, પ્રોસાસિંગ, પ્રિન્ટિગ જેવી તમામ પ્રક્રિયાઓ અટકી ગઈ છે, અને હવે આ જોડાણ પૂર્વવત નહિ કરાઈ તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે.  હાલ આ મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં છે, હજુ કોર્ટ તરફથી કોઈ નિર્દેશ નથી મળી રહ્યા. અરવિદ આ મુદ્દે કોર્ટમાં ગયું છે અને કોર્પોરેશનના કહેવા મુજબ કોર્ટના કહેવા મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે. હવે કોર્ટ આ મુદ્દે શું કરે છે તેના ઉપર સૌની નજર છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer