મથકોએ માવઠાથી લાલ કાંદાના ભાવ તૂટયા, સૂકાના વધ્યા

મથકોએ માવઠાથી લાલ કાંદાના ભાવ તૂટયા, સૂકાના વધ્યા
સ્થાનિક એપીએમસીમાં જૂના કાંદાની માગ નીકળી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 ડિસે. 
કમોસમી વરસાદના કારણે લાલ કાંદાના પાકને નુકસાન થયું છે અને ભાવ ઘટયા છે. રાજ્યમાં બુધવારે કમોસમી વરસાદ થવાથી લાલ કાંદાનો પાક પલળી જતાં 
કેટલાક ખેડૂતોને નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે તો કેટલાક ખેડૂતો માટે કમોસમી વરસાદ લાભપ્રદ નીવડયો છે એમ લાસલગાંવ સ્થિત એકેકે ટ્રેડર્સ ઍન્ડ એક્સપોર્ટના કાશિમભાઈનું કહેવું છે.
ખેડૂતો ખેતરમાંથી કાંદાનો પાક ઉતારે તે ભેજવાળા હોય છે તે સૂકાવા માટે સખત તડકાની જરૂર હોય છે. આ સપ્તાહે સોમવારે જે ખેડૂતોએ કાંદાનો માલ ખેતરમાંથી કાઢ્યો ત્યારે વાદળિયું હવામાન હોવાથી કાંદાને તડકો મળ્યો નહીં તે પછી કમોસમી વરસાદ થવાથી ખેતરમાં ખુલ્લામાં પડી રહેલા કાંદા પલળી ગયા તેમ જ હવામાનમાં ભેજ પણ વધ્યો. પરિણામે કાંદાના નવા પાકમાંથી તડકાના અભાવે ભેજ નીકળી શક્યો નહીં. ભેજવાળો માલ જલદી બગડી જતો હોય છે.
નાશિક તેમ જ વાશીસ્થિત જથ્થાબંધ બજારમાં જૂના કાંદાની બજાર તેજ થઈ ગઈ છે.
સામાન્ય રીતે વેપારીઓ નાશિકમાં લાલ કાંદાનો માલ ખેડૂતો પાસેથી ખરીદીને (ભેજ રહિત કરવા માટે) સાત આઠ દિવસ તડકામાં સૂકવતા હોય છે. વરસાદમાં પલળેલા કાંદા હવે તડકામાં સૂકાવાય તો પણ તે લાંબો સમય સારા રહેશે નહિ અને બગડી જશે. અત્યારે વાશીસ્થિત બજારમાં કાંદાનો વરસાદ પહેલા રવાના થયેલો માલ આવી રહ્યો છે તે તડકામાં સૂકવેલો અને ભેજ રહિત છે.
હવે ચાર ડિસેમ્બરથી નાશિકથી આવતા લાલ કાંદાનો માલ આગામી આદેશ સુધી ઉતારવા નહિ દેવાય તેવી જાણ ઘોડેગાંવ માર્કેટ કરી છે.
કમોસમી વરસાદથી સ્થાનિક એપીએમસીમાં પણ જૂના કાંદાની માગ નીકળી છે. ગુરુવારે કિલોએ જથ્થાબંધ ભાવ રૂા. બેથી ચાર જેવા વધી ગયા છે.
અત્યારે જે ખેડૂતોએ કાંદાનું વાવેતર કર્યું ને એકથી દોઢ મહિનો થઈ ગયો છે. તેમના પાકને પર્યાપ્ત પાણી તથા ઠંડું હવામાન મળવાથી કમોસમી વરસાદ તેમની માટે આશીર્વાદ રૂપ નીવડશે.
વાશીની એપીએમસીમાં જૂના લાલ કાંદાના જાતવાર કિલોએ બુધવાર અને ગુરુવારના ભાવ
જાત               બુધવાર           ગુરુવાર
વીઆઈપી      17-19             19-21
ગોલ્ટા            10-13             14-16
ગોલ્ટી             6-9                11-14
ચોપડાં             6-9                10-13
ડબલ્યાં            4-6                 7-10
ખાંદ                2-3                 3-6
આગામી સમયમાં પણ જૂના કાંદાની બજાર તેજ રહેશે એમ સ્થાનિક તેમ જ નાશિકના સૂત્રોનું જણાવવું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer