વ્યાજદર વધારો અને બોન્ડની ખરીદી બંધ થવાના ફફડાટથી સોનું નરમ

વ્યાજદર વધારો અને બોન્ડની ખરીદી બંધ થવાના ફફડાટથી સોનું નરમ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 3 ડિસે. 
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઢીલાશ હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1765 ડોલર સુધી ઘટ્યા પછી 1773ની સપાટીએ રનીંગ હતો. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એસેટ પર્ચેઝ કાર્યક્રમ બને તેટલી ઝડપથી પાછો ખેંચવાના સંકેત આપતા બુલિયનમાં ખરીદીનો રસ ઘટી ગયો છે.  
ફેડરલ રિઝર્વના ચેરમેને એવું કહ્યુ એટલે ડોલરના મૂલ્યમાં સુધારો હતો અને બોન્ડ યીલ્ડ પણ વધી ગયા હતા. આવતા અઠવાડિયે જાહેર થનારા નોન ફાર્મ પેરોલ ડેટા મજબૂત આવે અને રોજગારીમાં વધારો થયો હોવાનું બહાર આવે તો સોનાનો ભાવ 1750 ડોલર સુધી ઘટવાની શક્યતા દેખાય છે તેમ અભ્યાસુઓ કહે છે. ફેડ આવી સ્થિતિમાં વ્યાજદર વધારી શકે છે. ફુગાવો પણ વધી રહ્યો હોવાથી વ્યાજદર વધારાની સંભાવના વધુ છે. 
સોનાનો ભાવ ચાલુ સપ્તાહમાં 1.4 ટકા જેટલો ઘટી ગયો છે. સળંગ ત્રીજા અઠવાડિયામાં ભાવ ઘટાડા તરફી રહ્યા છે.ઉદ્દીપક પેકેજ પાછું ખેંચાય તો મોટો કડાકો તુર્તમાં બોલી શકે છે. ફુગાવા સામે હેજરુપી ખરીદીને લીધે ગયા મહિનામાં સોનામાં સુધારો આવ્યો હતો પણ તે હવે શમી ગયો છે. ધારણા કરતા વધારે ઝડપથી વ્યાજદરમાં વધારો કરવામા આવે તો સોનાને ઘટવું પડે તેમ છે. 
અત્યારે તો વિકસિત અને વિકાસશીલ બન્નેદેશોના અર્થતંત્રમાં સ્થિતિ સુધરવા લાગી છે પણ ઓમિક્રોન વાઇરસનો ફેલાવો વધે તો આર્થિક વિકાસ પર ઉંડી અસર પડે તેમ સૌને લાગવા માંડ્યું છે. આવનારા દિવસોમાં રોગચાળો કેટલો ફેલાય છે તે મહત્વનું બનશે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 40ના ઘટાડામાં રૂ. 49120  અને મુંબઇમાં રૂ.57 ઘટતા રૂ. 47544 હતો. ચાંદીનો ભાવ ન્યૂયોર્કમાં 22.33 ડોલર હતો. સ્થાનિકમાં એક કિલોએ રૂ.200 ઘટતા રૂ.61800 અને મુંબઇમાં રૂ. 54 વધતા રૂ. 60843 હતો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer