જીએસટી દર વધવાથી સરકારની આવક નહીં વધે, પણ ઉદ્યોગનો વિકાસ રુંધાશે

જીએસટી દર વધવાથી સરકારની આવક નહીં વધે, પણ ઉદ્યોગનો વિકાસ રુંધાશે
રાજ્ય સરકારને વિવિધ સંગઠનોની રજૂઆત
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 3 ડિસે.
દક્ષિણ ગુજરાત ચેમ્બરના નેજા હેઠળ બનેલી કમિટીએ રજૂઆત કરી છે. રાજ્યના નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ તથા ગુજરાતના ચીફ કમિશનર અૉફ સ્ટેટ ટેક્સિસ મિલિન્દ તોરવણે સમક્ષ કાપડ અને ગારમેન્ટ ઉપર વધેલા જીએસટી ટૅકસને પાછો ખેંચવા જીએસટી ટૅક્સ રેટને પરત ખેંચવા માટે ઝડપથી ટૅક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશ અને જીએસટી કાઉન્સિલમાં રજૂઆતો કરવામાં આવશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશિષ ગુજરાતી, ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર ઉપપ્રમુખ પથિક પટવારી, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, મયૂર ગોળવાલા અને સુરેશ પટેલ તથા ફિઆસ્વી, ફોસ્ટા, મસ્કતિ માર્કેટ મહાજન-અમદાવાદ અને નીવકલોથ માર્કેટ-અમદાવાદ સહિતના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ તથા ગુજરાતના ચીફ કમિશનર અૉફ સ્ટેટ ટેક્સિસ મિલિન્દ તોરવણે સાથે રૂબરૂ બેઠક કરી હતી. 
ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળે રજૂઆતમાં કહ્યું હતું કે, કાપડ અને ગારમેન્ટ ઉપર જીએસટી ટૅકસ રેટને વધારીને 1ર ટકા કરવામાં આવ્યો છે. તેનાથી કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની આવક નહીં વધે. સરકારને વધારાની આવક નહીં મળે, પણ ટૅકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રુંધાય તેવી શકયતા વધી જશે.
વૈશ્વિકસ્તરે ટૅકસટાઇલ ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મકતા પણ ઘટે તેવી  સંભાવના વધી જશે. આખા ભારતમાં લગભગ ર3 થી રપ લાખ લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવી શકે છે તથા આશરે 4 કરોડ લોકોના જીવન નિર્વાહનો પ્રશ્ન ઊભો થઇ શકે છે. 
રાજ્યના નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ તથા ગુજરાતના ચીફ કમિશનર અૉફ સ્ટેટ ટૅક્સિસ મિલિન્દ તોરવણેએ રજૂઆત સાંભળી હતી અને આ વિશે રાજ્ય સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer