લૉકડાઉન જેવા ગંભીર પગલાં લેવાશે તો આર્થિક વિકાસ મંદ પડશે : ઉદ્યોગ સંગઠનો

લૉકડાઉન જેવા ગંભીર પગલાં લેવાશે તો આર્થિક વિકાસ મંદ પડશે : ઉદ્યોગ સંગઠનો
મુંબઈ, તા. 3 ડિસે.
કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતાં ઔદ્યોગિક સંગઠનોએ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ વિશે એકસમાન નીતિને અનુસરવાનો સરકારને અનુરોધ કર્યો છે અને રોજગારને અસર થાય તેવા ગંભીર પગલાં લેવા સામે સંયમ રાખવા કહ્યું છે. 
ઉદ્યોગ એકમ ફિક્કીના અધ્યક્ષ ઉદય શંકરે કહ્યું કે, ``અમે કોઈ પણ તીવ્ર પ્રતિભાવ રાખવા સામે ચેતવણી આપીએ છીએ, જેનાથી રોજિંદા જીવન અને રોજગારને અસર થાય.''
ફિક્કી, એસોચેમ અને પીએચડીસીસીઆઈ જેવા ઉદ્યોગ એકમો રાજ્ય-સ્તરીય નિયંત્રણોને કારણે વિચલિત છે જે કોરોના મહામારીની બીજી લહેર પછી નાને પાયે શરૂ થયેલા આર્થિક સુધારાને રૂંધશે. 
ફિક્કીનું માનવું છે કે લૉકડાઉન અથવા પ્રવેશનાં સ્થળોએ અનેક મર્યાદા જેવા નિર્ણયો આર્થિક વૃદ્ધિને ઘણી ધીમી પાડશે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિ 8.4 ટકા નોંધાઈ હતી. 
કર્ણાટકમાં પહેલા બે ઓમિક્રોન કેસ નોંધાતા અને મહારાષ્ટ્ર સરકારે વાયરસના ગંભીર જોખમવાળા દેશમાંથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ફરજિયાત સાત દિવસનું ઈન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઈનની માર્ગરેખા જાહેર કરાઈ તેને પગલે ઉદ્યોગ સંગઠનોએ આ પ્રકારનો પ્રતિસાદ આપ્યો છે. 
રાજ્યએ ગુરુવારે કેન્દ્ર સરકારના આદેશ પછી માર્ગરેખા બદલી છે અને છ આફ્રિન દેશો માટે નવી અલ્ટ્રા-રિસ્ક કેટેગરી બનાવી છે. હવે આ સાત દેશમાંથી આવતા પ્રવાસીઓને જ સાત દિવસના ઈન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. સ્થાનિક પ્રવાસીઓએ બંને વેક્સિન થયાનું પ્રમાણપત્ર અથવા નેગેટિવ ટેસ્ટવાળો આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવાનો રહેશે. 
જુદાં જુદાં નિયંત્રણો સામે સાવચેતી દર્શાવતા ઉદ્યોગ એકમોએ કહ્યું કે, જો નિયંત્રણો લાગુ કરાશે તો કામગારો ઉપર તેની ગંભીર અસર થશે, એક બાજુ ઔદ્યોગિક કેન્દ્રોમાં કામગારોની અછત સર્જાશે તો બીજી બાજુ ગ્રામીણ અને અન્ય ક્ષેત્રે કામની માગ વધશે. 
ફિક્કીએ કહ્યું કે જરૂર પડે તો સ્થાનિક નિયંત્રણો મૂકવા જોઈએ. શંકરે કહ્યું કે, જીવન અને રોજગાર વચ્ચે સમતોલપણું રાખીને, પોઝિટિવિટી દર પ્રમાણે આર્થિક ગતિવિધિ અને નિયંત્રણોનો અમલ કરવો જોઈએ. તે પણ મુખ્યત્વે સ્થાનિક હોવા જોઈએ.
પીએચડીસીસીઆઈએ કેન્દ્ર સરકારને ઈન્ટરનેશનલ ઍરપોર્ટ્સ ઉપર ક્રિનિંગ પ્રક્રિયાની ઝડપ વધારવા અને ટેસ્ટિંગ સુવિધા વધારવાનો અનુરોધ કર્યો છે. જેથી દેશનાં વિવિધ સ્થળોએ ઓમિક્રોનના સંક્રમણને ફેલાતું રોકી શકાય. 
પીએચડીસીસીઆઈના અધ્યક્ષ પ્રદીપ મુલતાનીએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ. વધુ સાવચેત બનીને, તમામ કોવિડ પ્રોટોકોલ્સનું પાલન થાય અને સ્વચ્છતાનાં પગલાં લેવાય તે માટેની તકેદારી લેવી જોઈએ. 
એસોચેમે કહ્યું કે, મોટા પાયે રસીકરણ અને બહેતર આરોગ્ય માળખાને ટેકે દેશ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer