દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવા ગુજરાત આતુર : મુખ્ય પ્રધાન પટેલ

દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવા ગુજરાત આતુર : મુખ્ય પ્રધાન પટેલ
`વાયબ્રન્ટ ગુજરાત 2022'માં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 ડિસે.
સર્વગ્રાહી વિકાસ માટે પરિપૂર્ણ ભૌતિક, નાણાકીય, સંસ્થાકીય અને માનવીય ઇકોસિસ્ટમ ધરાવતું ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવા આતુર છે એમ કહીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને `આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ'ની વિકાસયાત્રામાં સહભાગી બનવા તેમ  જ જાન્યુઆરી 2022માં આયોજિત 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું.  
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની યોજાનારી 10મી આવૃત્તિની પૂર્વે અહીં યોજાયેલા અત્રે એક સમારોહમાં મુખ્ય પ્રધાન પટેલે વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ, અને વિદેશી રાજદૂતોને સંબોધતાં કહ્યું હતું કે દેશ અને દુનિયાના અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે ગુજરાત રોકાણ માટેનું સૌથી મનપસંદ સ્થળ છે. 
આત્મનિર્ભર ભારતનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા અઢી દાયકાથી ગુજરાત રાજકીય સ્થિરતા, વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સર્વાંગીણ વિકાસને માટે સાનુકૂળ એવા વાતાવરણ વડે સમગ્ર દેશ માટે વિકાસનો આદર્શ બન્યું છે. કોરોના પછી અન્ય દેશોમાં સ્થળાંતર કરવા ઇચ્છતા ઉદ્યોગોને અનુકૂળ એવી ઉદ્યોગનીતિ તેમ જ ઈ-વેહિકલ નીતિ, સૌર ઊર્જા નીતિ, કાપડ નીતિ જેવી પ્રગતિશીલ ક્ષેત્રવિશેષ નીતિઓ તેને દેશનાં વિવિધ રાજ્યોમાં અનેરું સ્થાન આપે છે.   
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસને બળ આપવા નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને અને ડિજિટલ નેટવર્ક, ઈમર્જિંગ ટેક્નૉલૉજી, ફિનટેક, સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન, ઈ-વ્હીકલ, સંશોધન અને વિકાસ, જ્ઞાનનું આદાનપ્રદાન, નિકાસ, પ્રવાસન અને નાણાકીય સેવાઓ જેવાં ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ મેળવવાની ગુજરાત સરકારની નેમ છે. 
તમે અત્યાર સુધી ગુજરાતના ગિફ્ટ સિટીની મુલાકાત ન લીધી હોય તો હવે જરૂર લેશો એમ કહીને મુખ્ય પ્રધાને નાણાસંસ્થાઓ, નાણાકીય કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સને ગુજરાતના ગિફટ સિટીમાં રોકાણ અને ધંધા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ગાંધીનગરથી સાત કિલોમીટર દૂર સાબરમતીને કિનારે 886 એકરમાં ફેલાયેલું ગિફ્ટ સિટી દેશના પ્રથમ નવસ્થાપિત સુગ્રથિત શહેર તરીકે ઊભરી રહ્યું છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર નાણાકીય સેવા કેન્દ્ર છે જ્યાં બસોથી વધુ બૅન્કો, સ્ટૉક એક્સ્ચેન્જો અને નાણાકીય કંપનીઓએ તેમનાં આંતરરાષ્ટ્રીય કામકાજ માટે અૉફિસો સ્થાપી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer