અદાણી ગ્રીન એનર્જી ક્ષેત્રે જંગી મૂડી રોકાણ કરશે

અદાણી પાવરે રાજસ્થાન સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ પિટિશન કરી 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 11 જાન્યુ. 
અદાણી જૂથ ગ્રીન એનર્જી ક્ષેત્રે 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કરશે. ગૌતમ અદાણીને ગ્રીન એનર્જી સેક્ટરમાં પોતાનું પ્રભુત્વ જમાવવામાં એએનઆઈએલની મદદ મળશે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પેટા કંપની બનાવી છે. 
અદાણી ગ્રુપના વડપણ હેઠળ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે શેરબજારને આપેલી માહિતી પ્રમાણે, ગ્રુપ અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એએનઆઈએલ)ના નામથી નવી કંપની બનાવવા જઈ રહી છે, જે 100 ટકા સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. આ નવી કંપની ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ઉપરાંત ઓછા પ્રમાણમાં કાર્બનનું ઉત્સર્જન કરનારી વીજળીના ઉત્પાદન તથા પવન ઊર્જા ટર્બાઈન, સૌર ઊર્જા ઉપકરણ, બેટરી વગેરેના નિર્માણ પર ધ્યાન આપશે. આ કંપની ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ વિશ્વની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બનવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ઉપરાંત કંપનીનો લક્ષ્ય સૌથી સસ્તા હાઈડ્રોજનનું નિર્માણ કરવાનો પણ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અગાઉથી જ વિશ્વની સૌથી મોટી સૌર ઊર્જા ડેવલપર છે. વર્ષ 2030 સુધીમાં અદાણી ગ્રીન એનર્જી 45 ગીગાવોટ ગ્રીન એનર્જીની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. 
દરમ્યાન અદાણી જૂથની કંપની અદાણી પાવર રાજસ્થાને ?6,738 કરોડની ચુકવણી ન કરવા બદલ રાજસ્થાન સરકારની માલિકીની પાવર ટ્રાડિંગ કંપનીઓ સામે સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે. 
સુપ્રિમ કોર્ટે સપ્ટેમ્બર 2020માં રાજસ્થાનની ત્રણ વીજ વિતરણ કંપનીઓને આયાતી કોલસાની ઊંચી કિંમત માટે 2013 થી અદાણી પાવર રાજસ્થાનને વળતરયુક્ત ટેરિફ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એપેલેટ ટ્રિબ્યુનલ અૉફ ઇલેક્ટ્રિસિટી દ્વારા અદાણી પાવર રાજસ્થાનને તેના 1,200-મેગાવોટના કવાઈ થર્મલ પાવર પ્લાન્ટ માટે વળતર ટેરિફ ચુકવવા આદેશ કર્યો હતો. સુપ્રીમનો ચુકાદો પણ તે મુજબનો જ હતો. 
અદાણીએ જણાવ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષથી પાવર ટ્રાડિંગ કંપનીઓ ટેરિફ ચુકવતી નથી તેથી  તેને ગંભીર નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાવર ટ્રાડિંગ કંપનીઓ પૂર્વગ્રહ રાખીને ચુકવણી કરતી નથી. 
2008માં રાજસ્થાન સરકાર અને અદાણી જૂથે કવાઈમાં ?5,000 કરોડના ખર્ચે 1,200 મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, રાજ્ય સરકારે અદાણીને 100 ટકા સ્થાનિક કોલસાનાં લિન્કેજની ખાતરી આપી હતી. પરંતુ પાવર યુનિટને 2013માં કોલસાના પુરવઠા માટે કેન્દ્રની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. આને પગલે અદાણીએ ઇન્ડોનેશિયાથી આયાત કરાયેલા કોલસા પર આધાર રાખવો પડતો હતો. આ માટે અદાણીએ સ્ટેટ ઇલેકટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ વળતર ટેરિફ માટે દાવો પણ કર્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer