2022ના પ્રથમ છમાસિકમાં નિકલના ભાવ દબાણમાં રહેશે

ઈબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 11 જાન્યુ.
વિશ્વના સૌથી મોટા નિકલ ઉત્પાદક ચીનમાં નીતિ નિયમો હળવા કરાશે એવા આશાવાદ વચ્ચે ઔદ્યોગિક માગ વધશે તેમ જ એલએમઇ અને શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જમાં સ્ટોક વધુ ઘટી જવાને પગલે ગત સપ્તાહે એલએમઇ ત્રિમાસિક વાયદો 21,252 ડોલર પ્રતિ ટન, એક દાયકાની નવી ઊંચાઈએ પહોંચી ગયો હતો. 2021માં નિકલના ભાવ 25 ટકા વધ્યા હતા. શુક્રવારે ભાવ નજીવા ઘટીને 20,802 ડોલર બંધ થયા હતા. ચીનમાં 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી લ્યુનાર નવા વર્ષની રજાઓ પહેલા કેટલાંક ડાઉનસ્ટ્રીમ પ્રોસેસરોએ ઉત્પાદકીય કાચો વધારવા નવું લેણ કાઢતા વાયદા પાછળ હાજર ભાવ પણ વધ્યા હતા. 
ચીને 2020માં 13 લાખ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉત્પાદિત કરીને જગતના કુલ વેચાણનો 40 ટકા હિસ્સો હસ્તગત કરી લીધો હતો. ચીનની હુઆયુ અને સીએમઓસી જેવી કંપનીએ જગતમાં કોબાલ્ટ ખાણો પર ઇજારાશાહી હસ્તગત કર્યા પછી હવે વિશ્વના સૌથી મોટા નિકલ ઓર અનામત ધરાવતા ઇન્ડોનેશિયાની ખાણોમાં મૂડીરોકાણ વધારવાનું શરૂ કરી દીધું છે. આનો અર્થ એવો પણ થાય કે હવે ચીન વિશ્વની સૌથી મોટી નિકલ બજાર બની જશે. 
ફિચ સોલ્યુશનના તાજા આંકડા દર્શાવે છે કે ઓકટોબર અને નવેમ્બરમાં નિકલની તીવ્ર અછત નિર્માણ થવી શરૂ થઈ હતી, તે હવે હળવી થવા લાગી છે. આ જોતાં 2022ના પ્રથમ છમાસિકમાં ટૂંકાગાળા માટે ભાવ દબાણમાં રહેશે. 2022માં અર્ધવાર્ષિક ભાવ દબાણમાં આવતા ભાવની વાર્ષિક સરેરાશ 2021ની 18,400 ડોલરથી ઘટીને 17,000 ડોલર રહેવાની સંભાવના છે. 
લાંબાગાળે જો પ્રથમ શ્રેણીના બેટરી ગ્રેડ નિકાલની અછત સર્જાશે તો ઓટો ઉત્પાદકો જથ્થાબંધ લિથિયમ આયોન ફોસ્ફેટ બેટરી ઉત્પાદનનો વિકલ્પ અપનાવવા પ્રોત્સાહિત કરશે, જે નિકલ આધારની લિથિયમ આયોન માગમાં ઘટાડો નોતરશે. બીજી તરફ ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવા મોટા નિકલ નિકાસકારો તરફથી 2022ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રિફાઈન્ડ નિકલનો પુરવઠો બજારમાં ઠલવાશે. 
શાંઘાઇ સીફી અને લંડન એલએમઇ વચ્ચે નિકલ પ્રાઇસ રેશિયો બોટમ આઉટ થવા સાથે ટ્રેડરોની નફા શક્તિ વધી હોઇ, આયાત વિંડો ફરીથી ખૂલી ગઈ છે. અલબત્ત, ચીનના બોન્ડેડ ગોડાઉન ઝોનમાં, નિકલ પ્લાન્ટ દ્વારા વધુ માલ ઠલવાતા ઇવેનટરીઝમાં વૃદ્ધિ થઈ છે, આ સપ્તાહે પણ આ વધારો જળવાઈ રહેશે. સ્થાનિક બજારમાં અત્યારે માલની અછત સર્જાઇ હોઇ કદાચ એવું પણ બને કે નિકલ પ્લાન્ટનો માલ સીધો જ બજારમાં આવી શકે છે. હાજર બજારમાં સ્પોટ પ્રીમિયમ ખૂબ ઊંચા છે. આ સપ્તાહે રશિયન નોર નિકલ તરફથી કેટલી નિકાસ કરવામાં આવે છે અને પ્રીમિયમ શું રહે છે તેના તરફ પણ નજર રાખવાની રહેશે. 
રિફાઈન્ડ નિકલની ચીનમાં પુરવઠા અછત સર્જાવાને પગલે ભાવ સતત વધતા રહી, ટન દીઠ 1.5 લાખ યુઆનની ઊંચાઈએ પહોંચી ગયા છે. બીએચપી બિલિટન કહે છે કે આગામી દાયકામાં બેટરી ઇન્ડસ્ટ્રીઝની એકલાની પ્રાયમરી નિકાલની માગ 13 લાખ ટન રહેશે. તેમનું માનવું છે કે 2020થી 2030 સુધીમાં એકલા આ ક્ષેત્રની માગ 500 ટકા અથવા 7 લાખ ટન સુધી વધવાની શક્યતા છે. કંપની માને છે કે આખા વિશ્વની કૂલ નિકલ માગમાં આ ક્ષેત્રની માગ 20 ટકા જેટલી વધી જશે. 
કન્સલ્ટન્સી પેઢી રાયસ્ટેડ એનર્જી કહે છે કે અમારા અગાઉના અહેવાલથી વિપરીત જાગતિક નિકલ માગ 2021ની 25 લાખ ટનથી 2024 સુધીમાં વધીને 34 લાખ ટન થવાની શકયતા છે. તેમનું માનવું છે કે 2024માં 32 લાખ ટનના ઉત્પાદન સાથે પુરવઠા અછત સર્જાવાની શક્યતા પણ એટલી જ છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer