ઓર્થોડોક્સ ચાની નિકાસ વધારવા પ્રોત્સાહનો જરૂરી : વિવેક ગોયન્કા
કોલકતા, તા. 11 જાન્યુ.
ભારતમાંથી કેલેન્ડર વર્ષ 2020માં 20.758 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ સામે 2021માં 12થી 13 ટકા ઓછી એટલે કે 18 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ થવાની સંભાવના છે. એ નોંધવું જરૂરી છે કે અગાઉના વર્ષની સરખામણીએ જાન્યુઆરીથી ડિસેમ્બર, 2020 દરમ્યાન ચાની નિકાસ આશરે 18 ટકા ઘટી હતી. 2021માં નિકાસ ઘટવાનાં મુખ્ય કારણોમાં ઓછું ઉત્પાદન, ખાસ કરીને કોવિડ-19 મહામારીને પગલે ઓર્થોડોક્સ ચાનું ઉત્પાદન ઘટવું તેમજ ભારતીય સીટીસી ચાના ઊંચા ભાવ સામેલ છે.
ઈન્ડિયન ટી એક્સ્પોર્ટર્સ એસોસીએશનના ચૅરમેન અંશુમન કનોરિયાએ જણાવ્યું કે ઈરાન સાથે ચૂકવણી મુદ્દે સ્પષ્ટતાનો અભાવ અને આફ્રિકાની સરખામણીએ ભારતીય સીટીસી ચાના ઊંચા ભાવ ઘટેલી નિકાસ માટેનાં મુખ્ય કારણો છે.
કનોરિયાએ ઉમેર્યું કે નિકાસો 20 કરોડ કિલોગ્રામ કરતાં ઓછી નોંધાશે તેવું અમારું અનુમાન છે. આ મુદ્દે સત્તાવાર આંકડા હજુ જાહેર થવાના બાકી છે, પરંતુ અમારી ધારણા પ્રમાણે નિકાસ લગભગ 18 કરોડ કિલોગ્રામ નોંધાઈ છે.
ટી બોર્ડ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ આંકડા સૂચવે છે કે જાન્યુઆરીથી અૉક્ટોબર, 2021માં ચાની નિકાસ નવ ટકા ઘટીને 15.72 કરોડ ટન નોંધાઈ છે. જોકે, આ ગાળામાં યુનિટના ભાવ રૂા. 243.12 પ્રતિ કોલગ્રામથી વધીને રૂ. 270.52 નોંધાયા હતા.
દેશમાં ચાના કુલ ઉત્પાદનમાં ઓર્થોડોક્સ ચાનો હિસ્સો 10 ટકા કરતાં ઓછો છે. ઈરાન તેનો મુખ્ય ગ્રાહક છે અને દેશમાંથી થતી ચાની કુલ નિકાસોમાં લગભગ 21 ટકા હિસ્સો ઓર્થોડોક્સ ચાનો હોય છે. દેશમાં દર વર્ષે કુલ 130 કરોડ ટન ઓર્થોડોક્સ ચાનું ઉત્પાદન થાય છે. જોકે, લગભગ 90 ટકા એટલે કે 11 કરોડ ટન ચાની નિકાસ થાય છે. નાણાં વર્ષ 2021માં ઓર્થોડોક્સ ચાનું ઉત્પાદન લગભગ 50 ટકા જેટલું ઘટ્યું હતું, જેનાથી નિકાસને ફટકો પડ્યો. ઉપરાંત, ઈરાનને થતી નિકાસ ઉપર ચૂકણીને લગતી સમસ્યાઓની અસર જોવા મલી હતી.
ઈન્ડિય ટી એસોસીએશનના ચૅરમેન વિવેક ગોયેન્કાએ તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સાથેની બેઠકમાં નિકાસને લગતી સમસ્યાઓ કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલને જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓર્થોડોક્સ ચાની નિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ અને તે માટે સરકારે આ ચાના ઉત્પાદનને રાહતો જાહેર કરવી જોઈએ. અગાઉ જ્યાં નોંધપાત્ર હાજરી હતી, તેવા ઈરાક જેવાં બજારોમાં નિકાસ વધારવા ઉદ્યોગ પ્રયત્નશીલ હોવાનું પણ ગોયેન્કાએ જણાવ્યું હતું.