ડિસેમ્બરમાં 4.75 લાખ ટન સરસવનું પિલાણ

વિશેષ પ્રતિનિધિ તરફથી 
જયપુર, તા. 11 જાન્યુ.
દેશમાં સરસવનું પિલાણ ડિસેમ્બરમાં 4.75 લાખ ટન થયુ છે. દેશમાં 31 ડિસેમ્બર સુધી સરસવનું કુલ પિલાણ 82.75 લાખ ટન થયુ જ્યારે આવક 76.30 લાખ ટન થઇ. દેશમાં 31 ડિસેમ્બર 2021ના રોજ ખેડૂતોની પાસે સરસવનો કુલ જથ્થો 1.70 લાખ ટન હોવાનો અનુમાન છે. જ્યારે પ્રોસેસરો અને સ્ટોકિસ્ટની પાસે 1.55 લાખ ટન સરસવનો જથ્થો છે. આ માહિતી મરુધર ટ્રાડિંગ કંપની, જયપુરના અનિલ અતરે આપી છે. 
તેમણે જણાવ્યુ કે, ડિસેમ્બરમાં સરસવની આવક 4.05 લાખ ટન રહી જે નવેમ્બરમાં પાંચ લાખ ટન હતી. ડિસેમ્બરમાં થયેલી આવકમાં ઉત્તરપ્રદેશમાં 55 હજાર ટન, રાજસ્થાનમાં 1.35 લાખ ટન, પંજાબ / હરિયાણામાં 50 હજાર ટન, ગુજરાતમાં 15 હજાર ટન, મધ્યપ્રદેશમાં 50 હજાર ટન, પશ્ચિમ બંગાળમાં, બિહાર તેમજ અન્ય રાજ્યોમાં એક લાખ ટન સરસવની આવક થઇ. આવી રીતે ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી સરસવની કુલ આવક 76.30 લાખ ટન થઇ. ચાલુ સીઝનમાં સરસવની કુલ ઉપલબ્ધતા 86 લાખ ટનની છે, જેમાંથી પાછલો બચેલો એક લાખ ટન જથ્થો સામેલ છે. ચાલુ સીઝનમાં કુલ ઉત્પાદન લગભગ 85 લાખ ટન થવાનો અનુમાન છે. વિતેલ રવી સીઝનમાં તેનુ ઉત્પાદન 69 લાખ ટન હતુ. 
નોંધનિય છે કે, સરસવનું વાવેતર સપ્ટેમ્બર-અૉક્ટોબરમાં શરૂ થાય છે તેમજ નવા સરસવની આવક ફેબ્રુઆરીથી શરૂ થઇ જાય છે. માર્ચથી તેની આવકમાં તેજી આવે છે પરંતુ જૂનથી ઓફ સીઝન શરૂ થતા તેની આવક સુસ્ત પડવા લાગે છે. દેશમાં ઉત્પન્ન થતા કુલ તેલીબિયાંમાં સરસવની હિસ્સેદારી 25 ટકા હોય છે. પાક વર્ષ 2020-21માં ઉત્તરપ્રદેશમાં 13.50 લાખ ટન, રાજસ્થાનમાં 35 લાખ ટન, પંજાબ / હરિયાણામાં 9.50 લાખ ટન, ગુજરાતમાં 4 લાખ ટન, મધ્યપ્રદેશમાં 8.50 લાખ ટન અને પશ્ચિમ બંગાળ, પૂર્વ ભારત તેમજ અન્ય રાજ્યોમાં 14.50 લાખ ટન સરસવનો પાક થવાનો અનુમાન છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer