ઠંડી વધતાં ગરમ કપડાંનાં બજારો ધમધમી રહ્યાં છે

અનિલ પાઠક
અમદાવાદ, તા. 11 જાન્યુ.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના લીધે આ વર્ષે અભૂતપૂર્વ ઠંડી અને વરસાદને લીધે લોકો ગોદડામાં લપેટાઈ રહ્યા છે અને શક્ય હોય તેટલા ગરમ કપડાં પહેરી રહ્યા છે.
એક અંદાજ પ્રમાણે આ સમયમાં ઠંડીથી પ્રોટેક્શન માટે લોકોએ ``રેમન્ડસ'' ``મોન્ટેકાર્લો'' ``એલેન શૉલી'' અને ``વેન હ્યુસેન''બ્રાન્ડનો જેટલો માલ બજારમાં હતો તે ખરીદી લીધો છે અને જો પ્રકોપ ચાલુ રહેશે તો હાલની જે ઘરાકી 35-40 લાખની છે તે વધીને 50 લાખને ફેબ્રુઆરીમાં આંબી જાય તો નવાઈ નહીં તેવું વુલન ક્લોથ્સમાં ડીલ કરતા જય મગિયાવાલાનું કહેવું છે.
તેઓના જણાવ્યા અનુસાર અનઓર્ગેનાઇઝ્ડ એવા તિબેટિયન બજારોમાંથી પણ લાખો રૂપિયાના વુલન કપડાં વેચાય છે. મગિયાવાલાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે વેચાયા વિના પડી રહેલો તમામ માલ ઠંડીના થોડા દિવસોમાં જ વેચાઈ ગયો છે અને નવો સ્ટૉક પણ જો ઠંડીનો ચમકારો ચાલુ રહેશે તો વેચાઈ જશે.
આ તમામ બ્રાન્ડના સેલ ચાલુ છે અને બધી પ્રોડક્ટ્સ 20-30 ટકાના રિબેટ સાથે વેચાય છે.
ગયા વર્ષે કોરોનાના લીધે લદાયેલા લૉકડાઉનથી અડધા ઉપરનો માલ વેચાયા વિના દુકાનોમાં પડયો રહ્યો હતો એ બધો વેચાઈ ગયો છે.
સૌથી વધુ મોન્ટેકાર્લો અને રેમન્ડના વુલન સ્વેટર્સ અને જેકેટ વેચાય છે અને તેની સાથે જીન્સના ટ્રાઉઝર્સ પણ વેચાઈ રહ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer