દેશમાં ઉત્પાદનોની માગને પહોંચી વળવા મેન, મશીન એન્ડ સ્કેલના પરફેકટ સમન્વય જરૂરી

દેશમાં ઉત્પાદનોની માગને પહોંચી વળવા મેન, મશીન એન્ડ સ્કેલના પરફેકટ સમન્વય જરૂરી
ટૅક્ષ પ્રદર્શન દરમિયાન હૉટેલો અને હૉસ્પિટલોમાં વપરાતી માઇક્રો પૉલીએસ્ટર ચાદરનો ઓર્ડર સુરતને મળ્યો 
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 11 જાન્યુ. 
દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા આયોજીત સીટેક્ષ પ્રદર્શનના પ્રથમ દિવસે આયોજીત કાર્યક્રમમાં ચેમ્બરના પ્રમુખે ટાંક્યું હતું કે, ભારતના ઉત્પાદનોની માંગમાં ઘણો મોટો ઉછાળો આવી રહયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેન, મશીન એન્ડ સ્કેલના પરફેકટ કોમ્બીનેશનની જરૂરિયાત ઉભી થઇ છે. સીટેક્ષ પ્રદર્શન આ દિશામાં સમન્વય કેળવવાની મહત્વની ભૂમિકા ભજવશે. હોટેલો અને હોસ્પિટલોમાં વપરાતી માઇક્રો પોલીએસ્ટર ચાદરનો ઓડર્ર સુરતને મળી રહ્યો છે અગાઉ આ ઓર્ડર ચીનને મળતો હતો. 
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 8 થી 10 જાન્યુઆારી દરમ્યાન ત્રણ દિવસ માટે યોજાયેલા `સીટેક્ષ- સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો-2022'નું આયોજન કરાયું હતું. 
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઇ રહ્યો છે એટલે ગ્રાહકોની માંગમાં બદલાવી આવ્યો છે. ભારતની જનતા ડેમોગ્રાફી બદલાવમાંથી પસાર થઇ રહી છે. આથી આગામી સમયમાં ડોમેસ્ટીક માર્કેટ 300 બિલિયન ડોલર ઉપર થશે. જે હાલમાં 140 બિલિયન ડોલર આંકવામાં આવી રહયું છે. કોવિડ પછી સમગ્ર વિશ્વએ ચાઇના પ્લસ વનની નીતિ અપનાવી છે. જેને કારણે ભારતમાં થતા ઉત્પાદનોની માંગ વિશ્વ કક્ષાએ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. 
વિશ્વભરની હોટેલો અને હોસ્પિટલોમાં માઇક્રો પોલીએસ્ટરમાંથી બનાવવામાં આવતી ચાદરનો ઓર્ડર જે પહેલા ચાઇનાને મળતો હતો તેના મોટાભાગના ઓર્ડર હવે સુરતને મળી રહ્યો છે. જેથી ભારતના ઉત્પાદનોની માંગમાં ઘણો મોટો ઉછાળો આવી રહયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેન, મશીન એન્ડ સ્કેલના પરફેકટ કોમ્બીનેશનની જરૂરિયાત ઉભી થઇ છે. સીટેક્ષ પ્રદર્શન સમન્વય કેળવવાની મહત્વની ભૂમિકા ભજવશે. 
આ ઉપરાંત ચેમ્બર દ્વારા બોડોલેન્ડમાં કાપડ વણાટ ઉદ્યોગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની કુશળતાને અપગ્રેડ કરવા, ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તથા અત્યાધુનિક વણાટ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે તેમની સાથે એમઓયુ કરવામાં આવશે. બોડોલેન્ડના ઉદ્યોગકારો હાલ માત્ર કાપડનું જ ઉત્પાદન કરે છે. આથી ચેમ્બરના નેજા હેઠળ સુરતનો કાપડ ઉદ્યોગ તેઓને રેડીમેડ ગારમેન્ટ્સ અને અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરીને વેલ્યુ ચેઇનમાં આગળ વધવા માટે સહયોગ આપશે. 
સીટેક્ષ પ્રદર્શનમાં બોડોલેન્ડ ટેરેટોરીયલ કાઉન્સીલના પ્રમોદ બોરો ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન સમારોહમાં ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સુરત માટે પીલર સમાન છે તથા ઉદ્યોગોને ટેકનોલોજીથી અવગત કરાવવાનું યોગ્ય માધ્યમ એટલે પ્રદર્શન. ચેમ્બરના સીટેક્ષ એકઝીબીશનથી ટેકસટાઇલ ઉદ્યોગને વિકાસની દિશામાં હરણફાળ ભરવા માટે ઘણો લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, બોડોલેન્ડની મુલાકાત વખતે જ તેઓને ટેકનોલોજીમાં અપગ્રેડ કરવા માટે ચેમ્બર સો જોડાવાનું સૂચન કર્યું હતું.   
બોડોલેન્ડ ટેરીટોરીયલ રિજીયોન- આસામના ચીફ એકઝીકયુટીવ મેમ્બર પ્રમોદ બોરોએ જણાવ્યું હતું કે, સ્વતંત્ર થયા બાદ તેઓ હવે કનેકશન, કરેકશન અને ડાયરેકશનની દિશામાં આગળ વધી રહ્યા છે. બોડોલેન્ડમાં વર્ષોથી હેન્ડલૂમનું કામ થાય છે તથા ર.86 લાખ વિવર્સ છે પણ ટેકનોલોજી નથી. આથી આ વિવર્સને ટેકનોલોજીની સાથે જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં કાપડ ઉદ્યોગમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને ટેકનીકલ ટેક્ષ્ટાઇલમાં પણ સુરત આગળ વધી રહયું છે. આથી તેઓ ચેમ્બર દ્વારા યોજાયેલા સીટેક્ષ- ર0રરની ખાસ મુલાકાત માટે આવ્યા છે. બોડોલેન્ડ સરકાર, ચેમ્બરની સાથે એમઓયુ કરશે અને ત્યાંના વિવર્સને ટેકનીકલી ડેવલપ થવા માટે પ્રયાસ કરશે. ઈન્ડોનેશિયા - બાંગ્લાદેશ -શ્રીલંકા અને નેપાલ ઇટમે ગૃપના જનરલ મેનેજર - સેલ્સ હેડ સમીર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો સારી અને અદ્યતન ટેકનોલોજી અપનાવે છે. સૌથી વધુ રેપીયર લૂમ્સ પણ સુરતમાં સ્થપાયેલા છે અને સારુ ફેબ્રિક બનાવે છે. માર્કેટમાં એક સ્ટેપ આગળ વધવા માટે આ જરૂરી પણ છે અને સુરત એક પગલું આગળ પણ રહે છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer