મંડપ, કેટરીંગ, હોટેલ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને સિઝન નિષ્ફળ જવાની દહેશત

મંડપ, કેટરીંગ, હોટેલ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને સિઝન નિષ્ફળ જવાની દહેશત
ઓમિક્રોન અને કોરોનાની ત્રીજી લહેરની અસર
બે માસમાં અનેક લગ્નો યોજાનાર હતાં પણ હવે આયોજનો બદલાશે
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત,અમદાવાદ, તા. 11 જાન્યુ.
કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી અનેક ધંધા રોજગારને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલો માટે કપરા દિવસો શરૂ થયા છે. મહામારીને કારણે બીજી લહેર દરમિયાન મંડપ ડેકોરેશનને રૂપિયા 300 કરોડનું નુકસાન થયું હતું. ત્રીજી લહેરમાં મંડપ ઈન્ડસ્ટ્રીને રૂપિયા 150 કરોડથી વધુનો વેપાર ગુમાવવાની ભીતિ છે.  
મંડપ ડેકોરેશન એસોસિએશન સાથે સંકળાયેલા કમલેશભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, ગયા વર્ષે કોરોનાના કારણે લગ્નસરા સહિત અનેક પ્રસંગો રદ થયા હતા. જેમાં મંડપ ડેકોરેશન પણ બાકાત રહ્યું નથી. 2 વર્ષથી કોરોનાને કારણે સમય ખરાબ ચાલી રહ્યો છે.  સરકારે કેટલીક છૂટછાટ આપતા દિવાળી બાદ સિઝન સારી જવાની આશા હતી. પરંતુ, ફરી એક વખત ત્રીજી લહેરે માથુ ઉચકતાં મંદીનો સામનો કરવો પડે તેમ છે.  
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સુરતમાં મંડપ ડેકોરેશન એસોસિએશન સાથે નાના મોટા 80થી વધુ ધંધાર્થીઓ જોડાયેલા છે. કોરોનાને લીધે અનેક ધંધાર્થીઓને વેપાર થયો નથી અને ઘણા વેપારીઓ સસ્તા ભાવે નાના મોટા કામકાજ થકી ટકી રહ્યા છે. હાલ કમુરતા પછી મે સુધી લગ્નની સિઝન નીકળી હતી. જેને લઇ મંડપ ડેકોરેશનને ફાયદો થશે તેવી આશા હતી. પરંતુ ત્રીજી લહેરના કારણે આશાઓ હતી તેના પર પાણી વળ્યું છે.  
મંડપ ડેકોરેશન સાથે સંકળાયેલા મેહુલ પટેલ જણાવે છે કે, અમશે આશા હતી કે જાન્યુઆરીમાં કમુરતા પછી લગ્નસરાની સિઝન શરૂ થશે તેમાં ગત વર્ષનું નુકશાન સરભર થશે. પરંતુ કોરોનાએ માથું ઉચકતા લોકોએ ઓછા ખર્ચે અને હોલમાં ઓછી સંખ્યામાં લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. જેના કારણે મંડપ ડેકોરેશનના વેપારમાં ફરી ઘટાડો જોવા મળશે. બીજી લહેર બાદ મંડપની નવી ડિઝાઇનો પણ બહાર પાડી હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરના કારણે સ્થિતિ બગડી છે.
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ વધતા હોટલ, કેટારિંગ અને ઇવેન્ટ ઉદ્યોગ ફરીથી ચિંતામાં પડી ગયો છે. જાન્યુઆરીના અંતમાં  અને ફેબ્રુઆરી મહિનામાં હજારો લગ્ન લેવાનાર હતા. હવે લગ્નો મોકૂફ રખાયા છે તે ક્યાંક સાદાઇનો આશરો લેવામાં આવ્યો છે. અથવા ઓછાં મહેમાનોની હાજરીમાં પ્રસંગ ઉકેલવાનો છે. જોકે આના કારણે ગુજરાતની આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાખો રૂપિયાના રિફંડ આપવા પડે છે અને આગળ પણ ક્યારે લગ્ન ઇવેન્ટ સારી રીતે  થશે તેની કોઈ આશા દેખાતી નથી. 
અમદાવાદના ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલના ઘરે ફેબ્રુઆરીમાં દીકરાના લગ્ન છે અને આના માટે તેમને અમદાવાદની હોટેલ પણ બુક કરાવી છે, પરંતુ કોરોનાના કેસ વધતા લાગ્યા છે. ફેબ્રુઆરીમાં પીક આવવાની વાત સાંભળતા હવે લગ્ન યોજવા કે કેમ તે અંગે વિસામણ થઈ પડી છે. ડિસેમ્બરમાં જ્યારે કેસ સાવ નહિવત હતા ત્યારે જ બાકિંગ કરાવી લીધું હતું પરંતુ હવે આગળ શું તેનો સવાલ પરિવારમાં પૂછાઇ રહ્યું છે. 
જો કે આર.સી. ઇવેન્ટના પ્રમોટર રાજીવ છાજડ કંઈક હકારાત્મક વાત કરે છે. તેમના કહેવા મુજબ `ફેબ્રુઆરીમાં જે લોકોએ લગ્ન બાકિંગ કર્યા હતા તેમના રિફંડ હાલ અમુક હોટલ નથી કરી રહી પરંતુ ઓક્ટોબર સુધી ગમે ત્યારે લગ્ન યોજવા માટેની છૂટ આપે છે, હાલ ઘણા પરિવાર કોર્ટ મેરેજ કરી અને બાદમાં પણ જ્યારે કોરોનાનો પ્રકોપ ઓછો થશે ત્યારે ધામધૂમથી લગ્ન કરવાના મૂડમાં છે.  જોકે કોરોનાથી અસર તો થઈ જ છે એમાં કોઈ શંકા નથી.` 
હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે `કેટારિંગ વ્યવસાય પહેલેથી જ કોરોનાના કારણે મુશ્કેલીમાં સપડાયો હતો અને હવે જ્યારે કમુરતા બાદ અને ફેબ્રુઆરીમાં લગ્નના મુહૂર્ત છે ત્યારે કોરોના ફરી માથું ઉચકી રહ્યો છે અને આના કારણે સીમિત લોકોની હાજરી ઉપરાંત ઘણા લોકો આવા પ્રસંગે આવવાનું પણ ટાળતા હોય છે ત્યારે ફરીથી કેટારિંગ વ્યવસાય મુશ્કેલીમાં આવ્યો છે અને ઘણા બધા ઓર્ડર પણ કેન્સલ થયાના સમાચાર છે.` 
ટ્રાવાલિંગ પણ હાલ પડી ભાંગ્યું છે.ડોમેસ્ટિક ફ્લાઈટ 30 ટકા ઓછી ઉડવા લાગી છે. અનેક રુટ પર ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે. અત્યારે લોકલ ટુરિઝમને પણ મોટો ફટકો પડ્યો છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાંથી રાજસ્થાન દીવ ગોવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારોમાં લોકોએ બાકિંગ કરાવ્યા હતા પરંતુ હાલ તેમાં પણ મોટાપાયે કેન્સલ થઈ રહ્યું છે. એક અંદાજ મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરીમા ગુજરાતમાં પચાસ હજાર 
નાના-મોટા લગ્ન થવાના હતા અને હવે કોરોનાના કારણે કેટારિંગ, હોટલ, ડેકોરેશન, મ્યુઝિક સહિતના ઉદ્યોગો ફરી સંઘર્ષ કરશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer