ઘઉંનું વાવેતર ગયા વર્ષથી ઓછું રહી શકે

ઘઉંનું વાવેતર ગયા વર્ષથી ઓછું રહી શકે
રાયડા-સરસવના વાવેતરમાં જબ્બર વધારો 
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
ઘઉંનું વાવેતર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઓછું રહેવાની ધારણા છે, જ્યારે રાયડા-સરસવના વાવેતરમાં જબ્બર વધારો નોંધાયો છે.
આ વર્ષે 7 જાન્યુઆરી સુધીમાં ઘઉંનું વાવેતર 333.97 લાખ હેક્ટરમાં થયું છે, જે એક વર્ષ અગાઉ 339.91 લાખ હેક્ટર હતું, એમ કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે. હાલનું વાવેતર ગયા વર્ષના કુલ વાવેતરથી હજી 13 લાખ હેક્ટર ઓછું છે. વાવેતરની ઝડપ ધીમી પડી હોવાથી હવે આ ઘટ પુરવી મુશ્કેલ જણાય છે. છેલ્લા એક સપ્તાહમાં ઘઉંનું વાવેતર માત્ર આઠ લાખ હેક્ટર વધ્યું છે, જે ગયે વર્ષે 11 લાખ હેક્ટર હતું.
ઘઉંનું વાવેતર ઘટયું હોય તેવાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (3.11 લાખ હેક્ટર), હરિયાણા (1.35 લાખ હેક્ટર), મહારાષ્ટ્ર (1.20 લાખ હેક્ટર), મધ્ય પ્રદેશ (1.14 લાખ હેક્ટર), ગુજરાત (0.9 લાખ હેક્ટર) અને પંજાબ (0.20 લાખ હેક્ટર)નો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે આ વખતે 350.72 લાખ હેક્ટરના વાવેતરમાંથી 1100 લાખ ટન ઘઉંનો પાક લેવાનું લક્ષ્ય ઠરાવ્યું છે. રાયડા-સરસવ સિવાયના મોટા ભાગના રવી પાકોના વાવેતરમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે. તેલીબિયાં અને ખાદ્ય તેલોના ભાવ ઊંચા ચાલતા હોવાથી સારા વળતરની આશાએ ખેડૂતો રાયડા તરફ વળ્યા હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.
તેલીબિયામાં રાયડા-સરસવનું વાવેતર ગયા વર્ષના 72.79 લાખ હેક્ટરથી 23 ટકા વધીને 89.71 લાખ હેક્ટર થયું છે. મગફળીનું વાવેતર ગયા વર્ષ જેટલું 3.99 લાખ હેક્ટર છે.
આ વર્ષે ચોખાનું વાવેતર 7 જાન્યુઆરી સુધીમાં 16.44 લાખ હેક્ટર હતું, જે ગયા વર્ષના 18.69 લાખ હેક્ટરથી 12 ટકા ઓછું છે. જોકે ચોખાના વાવેતર માટે હજી સમય છે. કેન્દ્ર સરકારે રવી મોસમમાં 42.2 લાખ હેક્ટર વાવેતરમાંથી 168 લાખ ટન ચોખાનો પાક લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
ગયે વર્ષે મોટા ભાગના રવી પાકનું વાવેતર જાન્યુઆરીના અંત સુધીમાં પૂરું થઈ ગયું હતું. જ્યારે ફેબ્રુઆરીમાં 10 લાખ હેક્ટરમાં ચોખાની વાવણી થઈ હતી. દેશમાં ચોખાના કુલ પાકમાં રવી પાકનો હિસ્સો 15 ટકા જેવો હોય છે. ગયે વર્ષે ચોખાનો પાક વિક્રમ 1222.7 લાખ ટન જેટલો ઉતર્યો હતો.
જાડાં ધાન્યોનું વાવેતર ગયા વર્ષના 48.32 લાખ હેક્ટરથી 3.4 ટકા ઘટીને 46.68 લાખ હેક્ટર થયું છે. જોકે, મકોઈનું વાવેતર એક વર્ષ પહેલાંના 14.61 લાખ હેક્ટરથી વધીને 15.94 લાખ હેક્ટર થયું છે.
એકંદરે તમામ રવી પાકોનું વાવેતર ગયા વર્ષના 646.23 લાખ હેક્ટરથી એક ટકો વધીને 652.16 લાખ હેક્ટર થયું છે. પાકની સ્થિતિ સામાન્ય છે, જોકે, કેટલાંક રાજ્યોમાં ખાતરની અછત હોવાના અહેવાલો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer