યુરોપ અને અગ્નિ એશિયામાં મધની નિકાસ વધારવાની નેમ

યુરોપ અને અગ્નિ એશિયામાં મધની નિકાસ વધારવાની નેમ
મુંબઈ, તા. 11 જાન્યુ.
યુરોપ અને અન્ય દેશોમાં મધની નિકાસ વધારવા માટે એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ અૉથોરિટી (એપેડા) ખેડૂતો અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.    
એપેડાના અધ્યક્ષ એમ અંગમુથુએ કહ્યું કે અમે રાજ્ય સરકારો, ખેડૂતો અને અન્ય હિસ્સાધારકો સાથે મળીને યુરોપિયન યુનિયન, દક્ષિણ-પૂર્વ એશિયા અને બ્રિટનમાં મધની નિકાસ વધારવા માટે કામ કરી રહ્યા છીએ. વિવિધ દેશોએ ભારતીય મધ ઉપર જે ડ્યૂટી લાદી છે તેને ઘટાડવા માટે પણ વાટાઘાટો ચાલુ છે જેથી નિકાસ વધારી શકાય.    
ભારતે 2020-21માં 59,999 ટન કુદરતી મધની નિકાસ કરી હતી જેનું મૂલ્ય રૂા.716 કરોડ હતું. કુલ નિકાસમાંથી સૌથી વધુ નિકાસ અમેરિકામાં 44,881 ટન (74.8 ટકા) થઈ હતી. તે પછી સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ એમિરેટ્સ, બાંગ્લાદેશ અને કેનેડાનો ક્રમ આવે છે.    
ભારતે 1996-97થી મધની નિકાસની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં વિશ્વમાં ભારત મધના ઉત્પાદનમાં આઠમાં ક્રમે હતો. ચીન, તુર્કી, કેનેડા, આર્જેન્ટિના, ઈરાન અને અમેરિકા મુખ્ય ઉત્પાદકો છે.    
અંગમુથુએ કહ્યું કે મધનું ઉત્પાદન અને નિકાસ વધી શકે તે માટે સરકારની સહાય અંતર્ગત અમે વિવિધ યોજનાઓ રજૂ કરીએ છીએ, ગુણવત્તા પ્રમાણપત્ર આપીએ છીએ તેમ જ લેબ ટેસ્ટિગની સુવિધામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.    
હાલમાં પીક સીઝનમાં નૂર ભાડાના ખર્ચમાં વધારો થયો છે, વૈશ્વિક સ્તરે કન્ટેનર્સની ઉપલબ્ધતા ઓછી છે. તેમ જ ન્યુક્લિયર મેગ્નેટિક રીસોનન્સ ટેસ્ટનો ખર્ચ પણ વધુ હોવાથી નિકાસમાં વધારો કરવાનું શક્ય  નથી, એમ તેમણે કહ્યું હતું.     
ખાંડની સરખામણીએ મધ આરોગ્યવર્ધક હોવાથી નિકાસ વધારવા માટે સારી તક છે, એમ એપેડાએ કહ્યું હતું. કોવિડ મહામારી બાદ મધના વપરાશમાં વધારો થયો છે. દેશમાં મધનું જેટલુ ઉત્પાદન થાય છે તેના 50 ટકા નિકાસ કરવામાં આવે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer