અમેરિકાને કેરી અને દાડમની નિકાસનો માર્ગ મોકળો

અમેરિકાને કેરી અને દાડમની નિકાસનો માર્ગ મોકળો
બે વર્ષના પ્રયાસોને અંતે 
અમેરિકાની ચેરીને પણ હવે ભારતમાં એન્ટ્રી મળશે
ડી. કે. 
મુંબઈ, તા. 11 જાન્યુ. 
ભારત સરકારના બે વર્ષના પ્રયાસોના ફળ સ્વરૂપે હવે ભારતનાં દાડમ અને કેરી જેવા ફળોની અમેરિકામાં નિકાસ શરૂ થઇ જશે. સામાપક્ષે ભારતે પણ અમેરિકાની ચેરી, ડુક્કરનું માંસ તથા રજકા જેવી વસ્તુઓની ભારતમાં આયાતને પરવાનગી આપવાની જાહેરાત કરી છે.  
અમેરિકા તથા ભારત વચ્ચે એક હાથે લો અને બીજા હાથે આપો એવી સમજૂતિના ભાગ રૂપે આ સહયોગ સાધવામાં આવ્યો છે. કેન્દ્રિય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ  અને અમેરિકાનાં પ્રતિનિધિ કેથેરિના તાઇ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ સમજૂતિની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગેના દસ્તાવેજી કાગળો ઉપર બન્ને પક્ષોના હસ્તાક્ષર થઇ ગયા છે. બન્ને દેશોનાં ક?ષિ મંત્રાલયો વચ્ચે આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 
આ સમજૂતિ કરાર અનુસાર ભારતની કેરી તથા દાડમની નિકાસ જાન્યુઆરી-22 કે ફેબ્રુઆરી-2022 મહિનામાં જ શરૂ થઇ જશે. સામાપક્ષે અમેરિકન ચેરી તથા રજકાની ભારતમાં આયાત એપ્રિલ-22 માં શરૂ થઇ શકશે. આ ઉપરાંત બન્ને પક્ષો વચ્ચે થયેલી સમજૂતિ અનુસાર ભારતનું પશુ સંવર્ધન અને દૂધ ઉત્પાદન મંત્રાલય અમેરિકાથી ડૂક્કરના માંસ આયાત કરવાની પરવાનગી આપશે જેના માટે હવે અમેરિકાને વહેલીતકે સેનેટરી સર્ટિફિકેટની કોપી આપવાની રહેશે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી વ્હાઇટ હાઉસમાંથી ગયા છે ત્યારથી ભારત અને અમેરિકા વચ્ચેનાં વ્યવસાયિક સંબંધો ઉષ્માભર્યા બન્યા છે. બન્ને દેશો વચ્ચેના વ્યાપાર વચ્ચે ાાવતી ઘણી અડચણો દુર થઇ છે.  2021 માં બન્ને દેશો વચ્ચેનાં મર્ચન્ડાઇઝ બિઝનેસમાં આશરે 50 ટકાનો ઉછાળો આવ્યો છે. 
આમ તો બન્ને દેશો વચ્ચે નિકાસ વેપારના નવા દરવાજા ખુલી રહ્યા હોવાના સંકેત નવેમ્બર-21 માં જ મળી ગયા હતા જ્યારે અમેરિકન પ્રતિનીધીઓએ ભારતની કેરીને અને દાડમને અમેરિકામાં એન્ટ્રી આપવાની સૈધ્ધાંતિક તૈયારી દશાવી હતી. સામાપક્ષે ભારતે પણ સિઝનમાં ામેરકિન ચેરી તથા રજકા જેવી વસ્તુઓને આવવા દેવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ પીયૂષ ગોયલની મુલાકાત થઇ અને   આ મુસ્સદ્દાને અંતિમ મહોર મારવામાં આવી હતી.આ ઉપરાંત બન્ને દેશો આગામી દિવસોમાં અન્ય ઘણી કૃષિ પેદાશો અને અન્ય ઉત્પાદનોની આયાત-નિકાસ માટેના દ્વાર ખોલે તેવા સંકેત મળી રહ્યા છે. બન્ને દેશોનાં પ્રતિનિધીઓ હવે નિયમિત ત્રિમાસિક બેઠક કરશે અને અનાજ, બફેલો મીટ, તથા અન્ય પેદાશોના કારોબાર વધારવા જરૂરી પગલાં લેશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer